યર્મિયા 14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ભારે સૂકવણું 1 સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે; 2 “યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે. 3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે. 4 ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે. 5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે. 6 જંગલી ગધેડાઓ ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.” 7 જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 8 હે ઇઝરાયલની આશા, સંકટના સમયે તારણહાર, દેશમાં પ્રવાસી જેવા, અથવા રાત્રે મુકામ કરતા મુસાફર જેવા તારે શા માટે થવું જોઈએ? 9 મૂંઝવણમાં પડેલા માણસ જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરવા નિ:સહાય હોય તેવા તમે કેમ છો? હે યહોવાહ! તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારા નામથી ઓળખાયા છીએ. અમારો ત્યાગ કરશો નહિ. 10 હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું. 11 ત્યારબાદ યહોવાહે મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર. 12 જ્યારે એ લોકો ઉપવાસ કરશે, ત્યારે હું એમની વિનંતી સાંભળનાર નથી. જ્યારે તેઓ મને દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે હું તેઓનો અંગીકાર કરીશ નહિ. પણ હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો અંત લાવીશ.” 13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તલવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને ખરા શાંતિ આપીશ,” 14 ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે. 15 તેથી યહોવાહ કહે છે; “મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે પ્રબોધ કરે છે અને કહે છે કે, તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ; એ પ્રબોધકો તલવારથી અને દુકાળથી નાશ પામશે. 16 જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને તલવાર તથા દુકાળથી યરુશાલેમના મહોલ્લામાં નાખી દેવામાં આવશે. તેઓને તેમની પત્નીઓ, દીકરીઓ અને દીકરાઓને દફનાવવા કોઈ પણ નહિ હોય. કેમ કે હું તેઓ પર તેઓની દુષ્ટતા રેડી દઈશ. 17 તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે. 18 જો હું ખેતરોમાં બહાર જાઉં છું, તો ત્યાં તલવારથી માર્યા ગયેલાઓના મૃતદેહો જોઉં છું. જો હું નગરમાં જાઉં છું, તો જુઓ, ત્યાં દુકાળથી પીડાતા લોકને જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી.’” યહોવાહને પ્રજાની પ્રાર્થના 19 શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિ અને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે. 20 હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે. 21 તમારા નામની ખાતર, અમારો ત્યાગ ના કરશો! તમારા મહિમામય સિંહાસનનું અપમાન ન કરશો. અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેનો ભંગ કરશો નહિ. 22 પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું? હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.