યર્મિયા 13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019કમરબંધનું રૂપક 1 યહોવાહે મને આ પ્રમાણે કહ્યું, “જઈને શણનો કમરબંધ વેચાતો લાવ અને તે પહેર. અને તેને પાણીમાં બોળીશ નહિ.” 2 તેથી મેં યહોવાહના વચન પ્રમાણે કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. 3 પછી બીજી વાર યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું કે, 4 “તેં જે કમરબંધ વેચાતો લાવીને પહેર્યો છે તે લઈને ઊઠ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.” 5 તેથી જેમ યહોવાહે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઈને સંતાડી મૂક્યો. 6 ઘણા દિવસો વીત્યા પછી, યહોવાહે મને કહ્યું, “ઊઠ અને ફ્રાત નદીએ જા. અને મેં તને જે કમરબંધ સંતાડવા આજ્ઞા આપી હતી તે ત્યાંથી લઈ આવ.” 7 આથી હું ફ્રાત નદીએ પાછો ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો ત્યાં ખોદ્યું. પણ જુઓ! કમરબંધ બગડી ગયો હતો; તે સંપૂર્ણપણે નકામો થઈ ગયો હતો. 8 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે, 9 “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તે જ રીતે હું યહૂદિયા અને યરુશાલેમનું ગર્વ ઉતારીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે, તેઓ પોતાના હૃદયના દુરાગ્રહ મુજબ ચાલે છે. અને બીજા દેવોની સેવા પૂજા કરવા માટે તેમની પાછળ ગયા છે. આથી તે દુષ્ટ લોકોની પરિસ્થિતિ પણ આ કમરબંધ જેવી થશે કે જે તદ્દન નકામો થઈ ગયો છે. 11 કેમ કે યહોવાહ કહે છે, જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે છે, તેમ ઇઝરાયલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી કમરે વીંટાળ્યા છે, જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’” દ્રાક્ષારસની બરણીનું દ્રષ્ટાંત 12 તેથી તું તે લોકોને આ વચન કહે કે; ‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે.” તેઓ તને જવાબ આપશે, ‘શું અમે નથી જાણતા કે, દરેક બરણી દ્રાક્ષારસથી ભરપૂર થશે?’ 13 તું તેઓને કહે કે, ‘યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જુઓ, આ દેશના બધાં રહેવાસીઓને એટલે કે, જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલા છે તેઓને, યાજકોને, પ્રબોધકોને અને યરુશાલેમના સર્વ લોકોને હું ભાનભૂલેલા કરી દઈશ. 14 હું તેઓને એકબીજાની સાથે લડાવીશ પિતાને તેમ જ દીકરાને હું એકબીજા સાથે અથડાવીશ. એમ યહોવાહ કહે છે. હું તેઓ પર દયા કે કરુણા દર્શાવીશ નહિ અને હું તેઓનો નાશ કરતાં અટકીશ નહિ. ગર્વ સામે યર્મિયાની ચેતવણી 15 કાન દઈને સાંભળો, અભિમાની ન થાઓ. કેમ કે યહોવાહ બોલ્યા છે. 16 અંધારું થાય તે પહેલાં, અને તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય તે અગાઉ, તમે જે પ્રકાશની આશા રાખો છો પણ તે જગ્યાને ગાઢ અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં તમારા ઈશ્વર યહોવાહને સન્માન આપો. 17 પણ જો હજુ તમે સાંભળશો નહિ, તો પછી તમારા અભિમાનને લીધે મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે, કારણ કે યહોવાહના ટોળાંને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. 18 રાજા અને રાજમાતાને કહે કે, દીન થઈને બેસો, કેમ કે તમારો મુગટ, તમારું ગૌરવ અને મહિમા તે પડી ગયાં છે.” 19 દક્ષિણનાં નગરો બંધ થઈ ગયાં છે, કોઈ તેને ઉઘાડનાર નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદીવાસમાં હા, સંપૂર્ણ બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. 20 જેઓ ઉત્તર દિશામાંથી આવે છે, તેઓને તમે આંખો ઊંચી કરીને જુઓ. જે ટોળું મેં તને સોંપ્યું હતું, જે સુંદર ટોળું હતું તે ક્યાં છે? 21 તારા પડોશી દેશો જેને તેં શીખવાડ્યું હતું અને જેઓને તેં મિત્રો ગણ્યા હતા તેઓને ઈશ્વર તારા પર રાજકર્તાઓ તરીકે બેસાડશે તો તું શું કહેશે? ત્યારે સ્ત્રીને પ્રસૂતિની પીડા થાય છે તેવી વેદના શું તને થશે નહિ? 22 ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે આવ્યું છે?” તારાં ભયંકર પાપને કારણે તને નિર્વસ્ત્ર કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. 23 કૂશીઓ કદી પોતાની ચામડી અથવા દીપડાઓ પોતાના ટપકાં બદલી શકે ખરો? તો તમે ભૂંડું કરવાને ટેવાયેલા શું ભલું કરી શકો? 24 તે માટે જેમ અરણ્યમાં ભૂસું પવનથી ઊડી જાય છે તેમ હું તમને વિખેરી નાખીશ. 25 આ તારો હિસ્સો મેં નીમી આપેલો ભાગ એ જ છે, કેમ કે તું મને વીસરી ગયો છે અને તેં અસત્ય પર ભરોસો રાખ્યો છે. એમ યહોવાહ કહે છે. 26 તે માટે હું તારાં વસ્ત્રો તારા મોંઢા આગળ લઈ જઈશ અને તારી લાજ દેખાશે. 27 જંગલમાંના પર્વતો પર જારકર્મ, તથા તારો ખોંખારો, તારા વ્યભિચારની બદફેલી તારાં એ ધિક્કારપાત્ર કૃત્યો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને અફસોસ! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી તારી એવી દશા રહેવાની? |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.