Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


અબીમેલેખ

1 યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું,

2 “કૃપા કરીને શખેમના સર્વ આગેવાનો સાંભળે તે રીતે કહો ‘યરુબાલના સર્વ સિત્તેર દીકરા, તમારા પર રાજ કરે અથવા એક જણ તમારા પર રાજ કરે, એ બેમાંથી તમારે માટે વધારે સારું શું છે? યાદ રાખો કે હું તમારાં હાડકાંનો તથા તમારાં માંસનો છું.”

3 તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.”

4 તેઓએ બઆલ-બરીથના મંદિરમાંથી તેને ચાંદીના સિત્તેર રૂપિયા આપ્યાં અને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા સારુ હલકા અને અધમ માણસો, જેઓ તેની પાછળ ગયા તેઓને રાખ્યા.

5 ઓફ્રામાં તે પોતાના પિતાના ઘરે ગયો અને એક પથ્થર પર પોતાના સિત્તેર ભાઈઓને મારી નાખ્યા હતા, પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો હતો, કેમ કે તે સંતાઈ ગયો હતો.

6 શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો.

7 જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.

8 એકવાર અંજીરના વૃક્ષો એક રાજાને અભિષેક વડે તેઓના પોતાના પર નીમવાને ગયાં. અને તેઓએ જૈતૂનવૃક્ષને કહ્યું, ‘અમારા પર રાજ કર.’”

9 પણ જૈતૂનવૃક્ષે તેઓને કહ્યું, ‘હું તો ઈશ્વરના અને માણસના સન્માનને માટે વપરાઉં છું, તે પડતું મૂકીને હું શા માટે અન્ય વૃક્ષો પર પ્રભાવ પાડવા જાઉં?’

10 પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’

11 પણ અંજીરીના વૃક્ષે તેઓને કહ્યું, ‘મારી મીઠાશ તથા મારાં સારાં ફળ મૂકી દેવા જોઈએ, જેથી બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે હું શા માટે આવું?’”

12 વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’

13 દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’

14 પછી સર્વ વૃક્ષોએ ઝાંખરાંને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’”

15 ઝાંખરાએ વૃક્ષોને કહ્યું, ‘જો તમારે ખરેખર તમારા પર મને રાજા તરીકે અભિષિક્ત કરવો હોય, તો આવો અને મારી છાયા પર ભરોસો રાખો. જો એમ નહિ, તો ઝાંખરામાંથી અગ્નિ નીકળીને લબાનોનનાં દેવદાર વૃક્ષોને બાળી નાખો.’

16 તેથી હવે, જયારે તમે અબીમેલેખને રાજા બનાવ્યો, ત્યારે તમે જો સત્યતાથી તથા પ્રામાણિકપણે વર્ત્યા હોય અને જો તમે યરુબાલ તથા તેના ઘરનાંની સાથે સારી રીતે વર્ત્યા હોય, જો જેવો તે યોગ્ય હોય તેવી જ તમે તેને સજા કરી હોય.

17 અને તમે વિચારો છો કે મારા પિતાએ તમારે સારુ લડાઈ કરી છે, પોતાનો જીવ જોખમમાં નાખીને તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવ્યાં.

18 પણ આજે તમે મારા પિતાના ઘરની વિરુદ્ધ ઊભા થયા છો અને તેના સિત્તેર પુત્રોને એક પથ્થર પર મારી નાખ્યા છે. અને તમે તેની દાસીના પુત્ર અબીમેલેખને શખેમનાં આગેવાનો પર રાજા બનાવ્યો, કેમ કે તે તમારો સંબંધી છે.

19 ત્યારે જો તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે પ્રામાણિકતાથી તથા સત્યનિષ્ઠતાથી વર્ત્યા હોય, તો તમે અબીમેલેખમાં આનંદ કરો અને તેને પણ તમારામાં આનંદ કરવા દો.

20 પણ જો તેમ નહિ, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો અને શખેમના માણસોને તથા મિલ્લોના ઘરનાઓને બાળી નાખો. અને શખેમના માણસોમાંથી તથા બેથ-મિલ્લોમાંથી અગ્નિ નીકળો અને અબીમેલેખને બાળી નાખો.”

21 યોથામ ભાગીને દૂર ચાલ્યો ગયો અને બેરમાં જઈને તે ત્યાં રહ્યો. કેમ કે તે તેના ભાઈ, અબીમેલેખથી ઘણું દૂર હતું.

22 અબીમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.

23 ઈશ્વરે અબીમેલેખ તથા શખેમના આગેવાનો વચ્ચે દુષ્ટ આત્મા મોકલ્યો. શખેમના આગેવાનોએ અબીમેલેખનો વિશ્વાસઘાત કર્યો.

24 ઈશ્વરે આ કર્યું જેથી યરુબાલના સિત્તેર દીકરા પર જે જુલમ ગુજારાયો હતો તેનો બદલો લેવાય અને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મૂકાય; આમાં શખેમના માણસો પણ જવાબદાર હતા કેમ કે તેઓએ તેને તેના ભાઈઓનું ખૂન કરવામાં મદદ કરી હતી.

25 જેથી શખેમના આગેવાનોએ પર્વતના શિખર પર લાગ તાકીને તેના પર છાપો મારનારાઓને બેસાડ્યા અને જે સર્વ તેઓની પાસે થઈને તે માર્ગે જતા હતા તે સર્વને તેઓ લૂંટી લેતાં હતા. આ બાબત અબીમેલેખને જણાવવાંમાં આવી.

26 એબેદનો દીકરો ગાઆલ પોતાના સંબંધીઓની સાથે આવ્યો અને તેઓ શખેમમાં ગયા. શખેમના આગેવાનોને તેના પર વિશ્વાસ હતો.

27 તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નિચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો.

28 એબેદના દીકરા ગાઆલે કહ્યું, “અબીમેલેખ કોણ છે અને શખેમ કોણ છે, કે અમે તેની સેવા કરીએ? શું તે યરુબાલનો દીકરો નથી? અને શું ઝબુલ તેનો અધિકારી નથી? તમે ભલે શખેમના પિતા, હમોરના લોકોની સેવા કરો! શા માટે અમે તેની સેવા કરીએ?

29 હું ઇચ્છા રાખું છું કે આ લોકો મારી આજ્ઞા પ્રમાણે કરે! તો હું અબીમેલેખને દૂર કરીશ. હું અબીમેલેખને કહીશ અને મોકલીશ, ‘તારા સૈન્યને બહાર બોલાવી લાવ.’”

30 જયારે નગરના અધિકારી ઝબુલે, એબેદના દીકરા ગાઆલનાં શબ્દો સાંભળ્યાં, ત્યારે તે ક્રોધે ભરાયો.

31 તેણે અબીમેલેખને છેતરવા સંદેશવાહકોને મોકલીને કહેવડાવ્યું, “જો, એબેદનો દીકરો ગાઆલ અને તેના સંબંધીઓ શખેમમાં આવે છે અને તેઓ નગરને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

32 હવે રાત્રે તું તથા તારી સાથેના સૈનિકો ઊઠો અને મેદાનમાં છાપા મારવાની તૈયારી કરો.

33 પછી સવારમાં સૂર્ય ઊગે તે પહેલાં, તું વહેલો ઊઠીને નગર પર હુમલો કર. અને જયારે તે તથા તેની સાથેના લોક તારી વિરુદ્ધ ચઢાઈ કરે, ત્યારે તું જે કરી શકે તે તેમને કરજે.”

34 તેથી અબીમેલેખ તથા તેની સાથેના સર્વ માણસો ઊઠ્યા અને તેઓ શખેમ વિરુદ્ધ તેમની ચાર ટુકડીઓ બનાવીને સંતાઈ રહ્યા.

35 એબેદના દીકરો ગાઆલ બહાર જઈને નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો. અબીમેલેખ અને તેની સાથેના લોક તેમની સંતાવાની જગ્યાએથી બહાર આવ્યા.

36 જયારે ગાઆલે તે માણસોને જોયા, ત્યારે તેણે ઝબુલને કહ્યું, “જો, પર્વતના શિખર ઉપરથી માણસો ઊતરી આવે છે!” ઝબુલે તેને કહ્યું, “તને પર્વતોના ઓળા માણસો જેવા દેખાય છે.”

37 ગાઆલે ફરી તેને કહ્યું, “જો, માણસો દેશની મધ્યમાં થઈને નીચે ઊતરી આવે છે અને બીજું એક ટોળું એલોન વૃક્ષને માર્ગે થઈને આવે છે.”

38 ત્યારે ઝબુલે તેને કહ્યું, “હવે તારા અભિમાની શબ્દો ક્યાં ગયા, તેં હમણાં જે કહ્યું હતું, “અબીમેલેખ કોણ છે કે અમે તેની સેવા કરીએ?’ જે લોકોને તેં ધિક્કાર્યા છે તે શું એ નથી? હવે બહાર જઈને તેઓની વિરુદ્ધ લડાઈ કર.”

39 ગાઆલ બહાર જઈને શખેમના માણસોની આગેવાની કરી અને અબીમેલેખની સાથે લડાઈ કરી.

40 અબીમેલેખે તેને નસાડ્યો અને ગાઆલ તેની આગળથી નાસી ગયો. નગરના દરવાજાના પ્રવેશદ્વાર પાસે ઘણાં માણસો ઘાયલ થઈને પડ્યા.

41 અબીમેલેખ અરુમામાં રહ્યો. ઝબુલે ગાઆલ તથા તેના સંબંધીઓને શખેમમાંથી બહાર કાઢી મૂક્યા.

42 બીજે દિવસે શખેમના લોકો મેદાનમાં ગયા અને અબીમેલેખને તેઓએ આ સમાચાર કહ્યા.

43 તે તેના લોકોને લઈને, તેઓને ત્રણ ટોળકીઓમાં વહેંચીને મેદાનમાં સંતાઈ રહ્યો. તેણે જોયું કે, લોકો નગરમાંથી બહાર આવી રહ્યા હતા અને તેણે તેઓ પર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.

44 અબીમેલેખ તથા તેની સાથેની ટોળીઓએ આગળ ધસીને નગરના દરવાજાના પ્રવેશદ્વારને બંધ કરી દીધો. બીજી બે ટોળીઓએ જે લોકો મેદાનમાં હતા તે સર્વ ઊપર હુમલો કરીને તેઓને મારી નાખ્યા.

45 અબીમેલેખે આખો દિવસ નગરની સામે લડાઈ કરી. તેણે નગરને કબજે કર્યું અને તેમાં જે લોકો હતા તેઓને મારી નાખ્યા. તેણે નગર તોડી પાડ્યું અને તેમાં મીઠું વેર્યું.

46 જયારે શખેમના કિલ્લાના સર્વ આગેવાનોએ સાંભળ્યું, ત્યારે તેઓ એલ-બરીથના ઘરના ભોંયરામાં પ્રવેશ્યા.

47 અબીમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના સર્વ આગેવાનો એકત્ર થયા છે.

48 અબીમેલેખ તથા તેની સાથેના સર્વ લોકો સાલ્મોન પર્વત પર ગયા. અબીમેલેખે પોતાના હાથમાં એક કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપી. તેણે પોતાના ખભા પર મૂકીને તેની સાથેના લોકોને હુકમ કર્યો, “તમે મને જે કરતાં જોયો છે તે પ્રમાણે તમે પણ જલ્દીથી કરો.”

49 તેથી સર્વ લોકો પણ ડાળીઓ કાપીને અબીમેલેખની પાછળ ચાલ્યા. અને તે ડાળીઓ કિલ્લાને લગાડીને તે વડે કિલ્લાને સળગાવી દીધો અને તેથી શખેમના કિલ્લાનાં સર્વ માણસો આશરે હજારેક પુરુષ તથા સ્ત્રીઓ મરણ પામ્યાં.

50 પછી અબીમેલેખ તેબેસ ગયો અને તેબેસની સામે છાવણી નાખીને તે કબજે કર્યું.

51 પણ તે નગરમાં એક મજબૂત કિલ્લો હતો અને તેમાં નગરનાં સર્વ પુરુષ, સ્ત્રીઓ તથા નગરના સઘળા આગેવાનો નાસી ગયા અને અંદરથી કિલ્લાનું બારણું બંધ કર્યું. પછી તેઓ કિલ્લાની છત પર ચઢી ગયા.

52 અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની નજીક આવ્યો.

53 પણ એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માથા પર ફેંકીને તેની ખોપરી ફોડી નાખી.

54 પછી તેણે તરત એક જુવાનને બોલાવીને એટલે જે તેનો શસ્ત્રવાહક હતો તેને કહ્યું, “તારી તલવાર કાઢીને મને મારી નાખ, કે કોઈ મારા વિષે એમ ન કહે, ‘એક સ્ત્રીએ મને મારી નાખ્યો.’ તેથી તે જુવાને તેને તલવારથી મારી નાખ્યો અને તે મરણ પામ્યો.

55 જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે અબીમેલેખ મરણ પામ્યો છે, ત્યારે તેઓ પોતાના ઘરે પાછા ગયા.

56 અને આમ ઈશ્વરે અબીમેલેખના દુરાચાર પ્રમાણે તેને બદલો આપ્યો, તેણે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરેલી હતી.

57 શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan