ન્યાયાધીશો 18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019મિખા અને દાનનું કુળ 1 તે દિવસોમાં ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. તે સમયે દાનીઓનું કુળ પોતાના વસવાટને માટે વતન શોધતું હતું, કેમ કે અત્યાર સુધી ઇઝરાયલના કુળોની મધ્યે તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો. 2 દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો. 3 જયારે તેઓ મિખાના ઘરની નજીક આવ્યા, ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાદ ઓળખ્યો, તેઓ પાછા વળીને ત્યાં ગયા. અને પૂછ્યું, “તને અહીંયાં કોણ લાવ્યું? અહીં તું શું કરે છે? અહીં તું શા માટે છે?” 4 તેણે તેઓને કહ્યું, મિખાએ મારા માટે આ કર્યું છે. “તેણે મને કામ પર રાખ્યો અને હું તેનો યાજક થયો છું.” 5 તેઓએ તેને કહ્યું, “કૃપા કરીને ઈશ્વરની સલાહ પૂછ, જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે સફળ નીવડશે કે નહિ.” 6 યાજકે તેઓને કહ્યું કે, “શાંતિએ ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તેમાં ઈશ્વર તમારી સમક્ષતા કરશે.” 7 પછી એ પાંચ માણસો લાઈશ આવ્યા અને તેઓએ લોકોને જોયા કે જ્યાં તેઓ સલામતીમાં રહેતા હતા-એ જ રીતે સિદોનીઓ મૂંઝવણ ન અનુભવવાને બદલે સુરક્ષિત રહેતા હતા. તે દેશમાં એવો કોઈ ન હતો કે, તેઓને જીતી શકે અથવા તેઓને કોઈપણ રીતે તકલીફ આપે. તેઓ સિદોનીઓથી ઘણાં દૂર રહેતા હતા અને કોઈની સાથે વ્યવહાર રાખતા ન હતા. 8 તેઓ પોતાના કુળ સોરાહ તથા એશ્તાઓલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, “તમે શું ખબર લાવ્યા છો?” 9 તેઓએ કહ્યું, “ચાલો! આપણે તેઓ પર હુમલો કરીએ! અમે તે દેશ જોયો છે અને તે ઘણો સારો છે. તમે કેમ કશું કરતા નથી? તે દેશ પર હુમલો કરવા અને તેને જીતવા માટે પાછા ન પડો. 10 જયારે તમે હશો, ત્યારે તમે એવા લોકો પાસે જાઓ કે જે લોકો પોતાના માટે એવું વિચારે છે અમે સલામત છીએ, તે દેશ વિશાળ છે! ઈશ્વરે તે તમારા હાથમાં આપ્યો છે. તે એવી જગ્યા છે કે જ્યાં પૃથ્વી પરની કોઈપણ વસ્તુની અછત નથી.” 11 પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરાહ તથા એશ્તાઓલમાંથી રવાના થયા. 12 તેઓએ જઈને યહૂદિયામાંના કિર્યાથ-યારીમમાં છાવણી કરી. એ માટે લોકોએ તે જગ્યાનું નામ માહનેહ દાન પાડયું; તે કિર્યાથ-યારીમની પશ્ચિમમાં છે; તે નામ આજ સુધી રહેલું છે. 13 તેઓ ત્યાંથી નીકળીને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં ગયા અને મિખાના ઘરે આવ્યા. 14 પછી જે પાંચ માણસો લાઈશના દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓએ તેઓના સંબંધીઓને કહ્યું, “શું તમે જાણો છો કે આ ઘરોમાં એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમે નિર્ણય કરો કે શું કરવું.” 15 તેથી તેઓ ત્યાંથી ફરીને જુવાન લેવી, મિખાના ઘરમાં ગયા. અને તેઓએ તેને ખબરઅંતર પૂછી. 16 અને દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેના હથિયારો સજીને પ્રવેશ દ્વાર આગળ ઊભા રહ્યા. 17 પાંચ માણસો કે જેઓ દેશની જાસૂસી કરવાને ગયા હતા તેઓએ ઘરમાં જઈને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધી, ત્યારે યુદ્ધ માટે હથિયારોથી સજ્જ થયેલા પેલા છસો માણસો સાથે યાજકો દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ઊભો રહેલો હતો. 18 જયારે તેઓ મિખાના ઘરમાં ગયા અને કોતરેલી મૂર્તિ, એફોદ, તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ આવ્યા ત્યારે યાજકે તેઓને કહ્યું, “તમે આ શું કરો છો?” 19 તેઓએ તેને કહ્યું, “છાનો રહે! તારો હાથ તારા મુખ પર મૂક અને અમારી સાથે આવ અને અમારો પિતા તથા યાજકો થા. શું એ વધારે સારું નથી કે તારે એક ઘરના યાજકો થવા કરતાં, ઇઝરાયલના એક કુળના યાજક થવું?” 20 યાજકોનું હૃદય આનંદથી ભરાઈ ગયું. એફોદ, તરાફીમ, કોતરેલી મૂર્તિ લઈને તે તેઓની સાથે ચાલ્યો ગયો. 21 તેથી તેઓ પાછા વળીને ચાલ્યા ગયા. તેઓએ તેઓની સામે નાનાં બાળકોને, જાનવરોને તથા પોતાની માલમિલકતોને આગળ રાખ્યાં. 22 જયારે તેઓ મિખાના ઘરથી ઘણે દૂર ગયા, ત્યારે મિખાના ઘરની પાસેના ઘરના માણસોએ એકત્ર થઈને દાનપુત્રોને પકડી પાડ્યા. 23 તેઓએ દાનપુત્રોને ઊંચા અવાજે પોકાર્યા એટલે તેઓએ પાછા ફરીને મિખાને કહ્યું, “શા માટે તું મોટું ટોળું લઈને અમારી પાછળ આવે છો?” 24 તેણે કહ્યું, “મેં બનાવેલા દેવોને તમે ચોરી લીધા છે અને યાજકને પણ લઈ જઈ રહ્યા છો. બીજું શું બાકી રહ્યું છે? તેમ છતાં તમે મને કેમ પૂછી રહ્યા છો, કે ‘તને શો સંતાપ છે?’” 25 દાનના લોકોએ તેને કહ્યું, મોટેથી ન બોલ. “અમારે તારો અવાજ સાંભળવો નથી! કેમ કે કેટલાક અત્યંત ક્રોધિત માણસો તારા પર હુમલો કરશે અને તું તથા તારા ઘરનાં માર્યા જશો.” 26 ત્યારે પછી દાનના લોકોએ પોતાનો રસ્તો પકડ્યો. જયારે મિખાને જણાયું કે તેઓ તેના કરતાં બળવાન હતા, ત્યારે તે પાછો વળ્યો અને પોતાને ઘરે ગયો. 27 મિખાએ જે બનાવ્યું હતું તે દાનના લોકોએ લઈ લીધું, તેની સાથે તેના યાજકોને પણ લાઈશમાં આવ્યાં, ત્યાં લોકો નિર્ભય તથા સુરક્ષિત હતા, તેઓએ તેઓને તલવારથી મારી નાખ્યા અને નગરને બાળી નાખ્યું. 28 ત્યાં તેઓને છોડાવનાર કોઈ નહોતું, કેમ કે સિદોનથી તે ઘણું દૂર હતું અને તેઓને કોઈની સાથે કશો વ્યવહાર ન હતો. બેથ-રહોબ પાસેની ખીણમાં તે આવેલું હતું. અને ત્યાં નગરમાં રહ્યા. 29 તેઓએ તે નગરનું નામ તેઓના પૂર્વજોના નામ પરથી દાન પાડયું, ઇઝરાયલના સંતાનોમાંનો હતો. અગાઉ નગરનું નામ લાઈશ હતું. 30 દાનના લોકોએ પોતાને માટે કોતરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને દેશની ગુલામગીરીના દિવસ સુધી મૂસાના દીકરા ગેર્શોમનો દીકરો યોનાથાન તથા તેના પુત્રો દાન કુળના યાજકો હતા. 31 જ્યાં સુધી ઈશ્વરનું તંબુ શીલોમાં હતું ત્યાં સુધી તેઓએ મિખાની બનાવેલી કોતરેલી મૂર્તિની કાયમ ઉપાસના કરી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.