ન્યાયાધીશો 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ગિલ્યાદી યિફતા બળવાન લડવૈયો હતો, પણ તે જાતીય કાર્યકરનો દીકરો હતો. ગિલ્યાદ તેનો પિતા હતો. 2 ગિલ્યાદની પત્નીએ પણ દીકરાઓને જન્મ આપ્યો હતો. જયારે તે દીકરાઓ મોટા થયા, ત્યારે તેઓએ યિફતાને ઘર છોડી દેવા બળજબરી કરી અને તેને કહ્યું, “અમારા ઘરમાંથી તને કોઈપણ પ્રકારનો વારસો મળશે નહિ. કેમ કે તું બીજી સ્ત્રીનો દીકરો છે.” 3 તેથી યિફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો. ત્યાં કેટલાક રખડું લોકો યિફતાની સાથે જોડાયાં, તેઓ તેની સાથે બહાર જતા. 4 કેટલાક દિવસો પછી, આમ્મોનીઓના લોકોએ ઇઝરાયલની વિરુદ્ધ યુદ્ધ કર્યું. 5 જયારે આમ્મોની લોકો ઇઝરાયલની સાથે યુદ્ધ કરતા હતા, ત્યારે ગિલ્યાદના વડીલો યિફતાને ટોબ દેશમાંથી તેડી લાવવા સારુ ગયા. 6 તેઓએ યિફતાને કહ્યું કે, “તું આવીને અમારો આગેવાન થા જેથી અમે આમ્મોનીઓની સામે લડીએ.” 7 યિફતાએ ગિલ્યાદના આગેવાનોને કહ્યું કે, “તમે શું મને ધિક્કાર્યો નહોતો? અને મારા પિતાના ઘરમાંથી મને કાઢી મૂક્યો ન હતો? હવે જયારે તમે સંકટમાં આવી પડ્યા છો ત્યારે મારી પાસે કેમ આવ્યા છો?” 8 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “અમે એટલા માટે તારી પાસે પાછા આવ્યા છીએ; કે તું અમારી સાથે આવે અને આમ્મોનીઓ સાથે લડાઈ કરે અને તું ગિલ્યાદમાં રહેનારા સર્વનો આગેવાન થાય.” 9 યિફતાએ ગિલ્યાદના વડીલોને કહ્યું, “જો આમ્મોનના સૈનિકો સામે લડવાને તમે ફરી મને સ્વદેશ તેડી જાઓ અને જો મારા હાથથી ઈશ્વર તેઓ પર વિજય અપાવે તો શું હું તમારો આગેવાન થાઉં.” 10 ગિલ્યાદના વડીલોએ યિફતાને કહ્યું, “ઈશ્વર આપણી વચમાં સાક્ષી થાઓ! નિશ્ચે અમે તારા કહ્યા પ્રમાણે કરીશું.” 11 તેથી યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો અને લોકોએ તેને પોતાનો આગેવાન તથા સેનાપતિ બનાવ્યો. અને યિફતાએ મિસ્પામાં ઈશ્વરની આગળ પોતાની સર્વ બાબતો કહી જણાવી. 12 પછી યિફતાએ આમ્મોનીઓના લોકોના રાજાની પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “આપણી વચ્ચે કઈ બાબતની લડાઈ છે? તું શા માટે અમારા દેશની વિરુદ્ધ લડવા માટે આવ્યો છે?” 13 આમ્મોનીઓના રાજાએ યિફતાના સંદેશવાહકોને ઉત્તર આપ્યો, “જયારે ઇઝરાયલીઓ મિસરમાંથી બહાર નીકળી આવ્યા ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યર્દન સુધી તેઓએ અમારો દેશ લઈ લીધો હતો; માટે હવે શાંતિથી તે અમને પાછો આપ. 14 યિફતાએ આમ્મોનીઓના રાજા પાસે ફરી સંદેશવાહકો મોકલ્યા, 15 તેણે તેને કહેવડાવ્યું, “યિફતા એમ કહે છે કે: ‘મોઆબનો દેશ તથા આમ્મોનીઓનો દેશ ઇઝરાયલે લઈ લીધો ન હતો; 16 પણ જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે ઇઝરાયલીઓ અરણ્યમાંથી લાલ સમુદ્ર અને અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા. 17 ત્યારે ઇઝરાયલે અદોમના રાજા પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું હતું કે, “કૃપા કરીને તમારા દેશમાં થઈને અમને જવા દે,” પણ અદોમના રાજાએ તેઓનું સાંભળ્યું નહિ. અને તે જ પ્રમાણે તેઓએ મોઆબના રાજાને કહેવડાવ્યું; તે પણ જવા દેવા ઇચ્છતો નહોતો. તેથી ઇઝરાયલીઓ કાદેશમાં રહ્યા. 18 પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી. 19 ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોન, જેણે હેશ્બોન પર રાજ કર્યું હતું તેને સંદેશો મોકલાવ્યો; ઇઝરાયલે તેને કહ્યું, “કૃપા કરીને, તારા દેશમાં થઈને અમને અમારા પ્રદેશમાં જવા દે.” 20 પણ સીહોનને ઇઝરાયલ પર ભરોસો ન રાખ્યો. તેથી તેણે તેઓને તેમના પ્રદેશમાં થઈને જવા દીધા નહિ. પણ સીહોનને પોતાના સર્વ લોકોને એકત્ર કરીને યાહસામાં છાવણી કરી અને ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. 21 અને ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે, ઇઝરાયલને વિજય અપાવીને સીહોનને તથા તેના સર્વ લોકોને તેમના હાથમાં સોંપ્યાં. તેથી ઇઝરાયલે અમોરીઓના આખા દેશ અને તેમા રેહતાં સર્વ જેઓ તે દેશમાં રહેતા હતા તેમનો કબજો લીધો. 22 આર્નોનથી યાબ્બોક અને અરણ્યથી યર્દન સુધી અમોરીઓના પ્રદેશનું સર્વ તેઓએ પોતાના કબજા માં લઈ લીધું. 23 હવે ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર પોતાના લોકોને અમોરીઓ આગળથી બહાર કાઢી લાવ્યા, ઇઝરાયલને અમોરીઓનું વતન આપી દીધું, તેઓ વતન વગરના થયા. 24 તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું. 25 હવે તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇઝરાયલની સામે કદી ટક્કર લીધી કે તેણે તેઓની સામે કદી યુદ્ધ કર્યું? 26 જયારે ઇઝરાયલ હેશ્બોનમાં તથા તેનાં ગામોમાં, અરોએરમાં તથા તેનાં ગામોમાં અને આર્નોનના કાંઠા પરના સઘળાં નગરમાં, ત્રણસો વર્ષ સુધી રહ્યા હતા, તો તે સમય દરમિયાન તે તમે પાછાં કેમ ન લીધાં? 27 મેં તારું કશું બગાડ્યું નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારું ખોટું કરી રહ્યો છે. ઈશ્વર જે ન્યાયાધીશ છે, તે ઇઝરાયલ તથા આમ્મોનપુત્રોની વચ્ચે ન્યાય કરશે.’ 28 પણ જે સંદેશો યિફતાએ આમ્મોનીઓના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે નકાર કર્યો. 29 અને ઈશ્વરનો આત્મા યિફતા પર આવ્યો અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગિલ્યાદના મિસ્પામાં ગયો. પછી મિસ્પામાંથી આમ્મોનીઓની પાસે ગયો. 30 યિફતાએ ઈશ્વરની આગળ માનતા માનીને કહ્યું, “જો તમે મને આમ્મોનીઓ પર વિજય અપાવશો, 31 તો પછી જયારે હું આમ્મોનીઓ પાસેથી નિરાંતે પાછો આવીશ ત્યારે મને મળવા સારુ જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે ઈશ્વરનું થશે અને હું તેનું દહનીયાર્પણ કરીશ.” 32 યિફતા આમ્મોનીઓની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ ગયો ઈશ્વરે તેઓને વિજય અપાવ્યો. 33 તેણે તેઓ પર હુમલો કર્યો. અરોએરથી મિન્નીથ સુધીનાં વીસ નગરોનો તથા આબેલ-કરામીમ સુધીના લોકોનો મોટો સંહાર કર્યો. તેથી આમ્મોનીઓ ઇઝરાયલ લોકોના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા. યિફતાની પ્રતિજ્ઞા અને તેની દીકરી 34 યિફતા પોતાને ઘરે મિસ્પામાં આવ્યો. ત્યાં તેની દીકરી તેને મળવાને ખંજરી વગાડતા તથા નૃત્ય કરતાં કરતાં બહાર આવી. તે તેનું એક માત્ર સંતાન હતું, તેના પછી તેને અન્ય દીકરો કે દીકરી ન હતાં. 35 જયારે તેણે તેને જોઈ, ત્યારે તે દુઃખમાં ગરકાવ થઈ ગયો અને કહ્યું, “અરે! મારી દીકરી! તેં મને પીડામાં કચડી નાખ્યો છે. જેઓ મને દુઃખ દેનારા છે તેઓમાંની તું પણ થઈ! કેમ કે મેં ઈશ્વરના સોગન લીધા છે અને એ મારા સોગનથી મારાથી પાછા ફરી શકાય એવું નથી.” 36 તેણે તેને કહ્યું, “મારા પિતા, તમે ઈશ્વરને સોગનપૂર્વક જે વચન આપ્યું છે, તે પ્રમાણે મને થાઓ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનીઓ પર વાળ્યું છે.” 37 તેણે પોતાના પિતાને કહ્યું, “મારી આટલી વિનંતી છે કે મને બે મહિના સુધી એકલી રહેવા દે કે, હું નીચે પર્વતોમાં જાઉં અને ત્યાં મારી સખીઓએ મારા કૌમાર્યનો શોક કર્યો.” 38 તેણે કહ્યું, “જા.” તેણે તેને બે મહિના માટે જવા દીધી. તેણે વિદાય લીધી. તેણે તથા તેની સહિયરોએ પર્વતો ઉપર પોતાના કૌમાર્યનો શોક કર્યો. 39 બે મહિના પછી તે પોતાના પિતાની પાસે પાછી આવી. યિફતાએ પોતે આપેલા વચનનું પાલન કર્યું. હવે યિફતાની દીકરી કુંવારી રહેલી હતી તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડ્યો કે 40 વર્ષમાં ચાર દિવસ ગિલ્યાદી યિફતાની દીકરીનો શોક પાળવા માટે ઇઝરાયલની દીકરીઓ દર વર્ષે પર્વતો પર જતી હતી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.