યશાયા 66 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019સર્વવ્યાપી અને પાલનહાર પ્રભુ 1 યહોવાહ એવું કહે છે: “આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે? 2 મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા” એમ યહોવાહ કહે છે. “જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ. અયોગ્ય યજ્ઞો 3 જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે. 4 તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.” 5 જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: “તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, ‘યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,’ પણ તેઓ લજ્જિત થશે. 6 નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે. ઇઝરાયલ પ્રજાનો નવો જન્મ 7 પ્રસૂતિની પીડા થાય તે અગાઉ તેને પ્રસવ થયો; પ્રસવવેદના પહેલા જ તેને છોકરો જન્મ્યો. 8 આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો. 9 યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? “હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?” એવું યહોવાહ પૂછે છે. 10 યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ. 11 તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો. 12 યહોવાહ એવું કહે છે: “હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે. 13 જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.” 14 તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે. 15 કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે. 16 કેમ કે યહોવાહ આગ અને તલવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે. 17 બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. “તેઓ સૌથી અંતમાં આવશે” એવું યહોવાહ કહે છે. 18 “કેમ કે હું તેઓનાં કાર્યો અને તેઓના વિચારો જાણું છું. સમય આવે છે જ્યારે હું સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષા બોલનાર લોકોને એકત્ર કરીશ. તેઓ આવીને મારો મહિમા જોશે. 19 હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.” 20 “યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે. 21 યહોવાહ કહે છે, “હું તેઓમાંથી કેટલાકને યાજકો તથા લેવીઓ થવા સારુ પસંદ કરીશ.” 22 કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે” એમ યહોવાહ કહે છે, “તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે.” 23 “એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે. 24 તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.