યશાયા 54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઇઝરાયલ પ્રત્યે પ્રભુનો પ્રેમ 1 “હે સંતાન વિનાની, જેણે બાળકને જન્મ આપ્યો નથી; જેણે પ્રસૂતિની પીડા સહન કરી નથી તે, તું હર્ષનાદ અને જયઘોષ કર. કેમ કે યહોવાહ કહે છે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં વધારે છે. 2 તારા તંબુની જગા વિશાળ કર અને તારા તંબુના પડદા પ્રસાર, રોક નહિ; તારાં દોરડાં લાંબા કર અને ખીલા મજબૂત કર. 3 કેમ કે તું જમણે તથા ડાબે હાથે ફેલાઈ જશે અને તારાં સંતાનો દેશો પર કબજો કરશે અને ઉજ્જડ નગરોને ફરીથી વસાવશે. 4 તું બીશ નહિ કેમ કે તું લજ્જિત થનાર નથી, ગભરાઈશ નહિ કેમ કે તારી બદનામી થનાર નથી; તારી યુવાવસ્થાની શરમ અને તને તજી દેવાયેલીનું કલંક તું ભૂલી જઈશ. 5 કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. 6 તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે. 7 “મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ. 8 ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ,” તારા બચાવનાર યહોવાહ એમ કહે છે. 9 “કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ. 10 છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ,” તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે. યરુશાલેમનું ભાવિ 11 હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. 12 તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ. 13 અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે. 14 હું તને ન્યાયીપણામાં પુનઃસ્થાપિત કરીશ. તને હવે સતાવણીનો અનુભવ થશે નહિ, તને કંઈ ભય લાગશે નહિ અને કંઈ ભયજનક વસ્તુ તારી પાસે આવશે નહિ. 15 જુઓ, જો કોઈ મુશ્કેલી ઊભી કરે, તો તે મારા તરફથી હશે નહિ; જેઓ તારી સામે મુશ્કેલી ઊભી કરશે તેઓ તારી આગળ હારી જશે. 16 જો, મેં કારીગરને બનાવ્યો છે, જે બળતા અંગારાને ફૂંકે છે અને પોતાના કામ માટે ઓજારો ઘડે છે અને વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે. 17 તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે” એમ યહોવાહ કહે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.