યશાયા 51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યરુશાલેમને સાંત્વના નો વચનો 1 તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ. 2 તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી. 3 હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે. 4 “હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાંને માટે સ્થાપિત કરીશ. 5 મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે. 6 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ. 7 જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ. 8 કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.” 9 હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી? 10 જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી? 11 યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે. 12 હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે? 13 તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે? 14 જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ. 15 કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે. 16 મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’” યરુશાલેમના દુ:ખના દહાડાનો અંત 17 હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે. 18 જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી. 19 તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે? 20 તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર. 21 માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ: 22 તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: “જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી. 23 હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.