યશાયા 5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019દ્રાક્ષવાડી સંબંધીનું નીતિ-ગીત 1 હું મારા પ્રિયતમ માટે, તેની દ્રાક્ષવાડી સંબંધી મારા સ્નેહીનું ગીત ગાઉં, મારા વહાલા પ્રિયતમને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષવાડી હતી. 2 તેણે તે ખેડી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા અને તેમાં ઉત્તમ દ્રાક્ષવેલા રોપ્યા અને તેની મધ્યમાં બુરજ બાંધ્યો અને તેમાં દ્રાક્ષકુંડ ખોદી કાઢ્યો, તેમાં દ્રાક્ષની સારી ઊપજ થશે એવી તે આશા રાખતો હતો, પણ તેમાં તો જંગલી દ્રાક્ષની ઊપજ થઈ. 3 હે યરુશાલેમના રહેવાસીઓ તથા યહૂદિયાના લોકો; તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ઇનસાફ કરજો. 4 મારી દ્રાક્ષવાડી વિશે વધારે હું શું કરી શક્યો હોત, જે મેં નથી કર્યું? જયારે હું સારી દ્રાક્ષ ઊપજવાની આશા રાખતો હતો, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષની ઊપજ કેમ થઈ હશે? 5 હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરવાનો છું, તે હું તમને જણાવું; હું તેની વાડ કાઢી નાખીશ; જેથી તે ભેલાઈ જશે; તેનો કોટ હું પાડી નાખીશ, જેથી તે કચડાઈ જશે 6 હું તેને ઉજ્જડ કરી મૂકીશ, તે સોરવામાં આવશે નહિ અને કોઈ તેને ખેડશે નહિ, પણ એમાં કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે, વળી હું વાદળોને આજ્ઞા કરીશ કે તેઓ એમાં વરસાદ ન વરસાવે. 7 કેમ કે ઇઝરાયલી લોકો તે સૈન્યોના યહોવાહની દ્રાક્ષવાડી છે અને યહૂદિયાના લોકો તેના મનપસંદ રોપા છે; તેણે ન્યાયની આશા રાખી હતી, પણ બદલામાં ત્યાં રક્તપાત હતો, નેકીની આશા રાખી હતી પણ ત્યાં વિલાપ હતો. લોકોના પાપકર્મો 8 પોતે દેશમાં એકલા રહેનારા થાય ત્યાં સુધી, જેઓ ઘર સાથે ઘર જોડી દે છે અને ખેતર સાથે ખેતર જોડે છે, તેમને અફસોસ! 9 સૈન્યોના ઈશ્વરે મને કહ્યું, ઘણા ઘરો પાયમાલ થશે, હા, મોટાં અને પ્રભાવશાળી ઘરો, વસ્તી વિનાનાં થઈ જશે. 10 કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે. 11 જેઓ પીવા માટે સવારમાં વહેલા ઊઠે છે; જેઓ દ્રાક્ષારસ પીને મસ્ત બને ત્યાં સુધી રાત્રે મોડે સુધી જાગનારાઓને અફસોસ છે! 12 તેઓની ઉજવણીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી, અને દ્રાક્ષારસ છે, પણ તેઓ યહોવાહ જે કામ કરે છે તે પર લક્ષ આપતા નથી અને યહોવાહના હાથનાં કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી. 13 તેથી મારા લોકો અજ્ઞાનતાને લીધે બંદીવાસમાં ગયા છે; તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે અને તેઓના સામાન્ય લોકો પાસે પીવા માટે કંઈ જ નથી. 14 તેથી મૃત્યુએ અધિક તૃષ્ણા રાખીને પોતાનું મુખ અત્યંત પહોળું કર્યુ છે; તેઓના પસંદ કરાયેલા લોકો, તેઓના આગેવાનો, સામાન્ય લોકો અને તેઓમાં મોજ માણનાર તેમાં ઊતરી જાય છે. 15 માણસ નમી જાય છે અને મોટા માણસો દીન બની જાય છે તથા ગર્વિષ્ઠની દૃષ્ટિ નીચી કરવામાં આવશે. 16 પણ સૈન્યોના યહોવાહ તેમના ન્યાયને લીધે મોટા મનાય છે અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે. 17 ઘેટાં જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે અને ધનાઢ્યોના પાયમાલ થયેલાં સ્થાને, પારકાં લોકો ખાઈ જશે. 18 જેઓ અન્યાયને વ્યર્થતાની દોરીઓથી અને પાપને ગાડાના દોરડાથી તાણે છે તેઓને અફસોસ; 19 જેઓ કહે છે, “ઈશ્વરને ઉતાવળ કરવા દો, તેમને કામ જલદી કરવા દો, કે જેથી અમે તે જોઈ શકીએ; અને ઇઝરાયલના પવિત્રની યોજના અમલમાં આવે, જેથી અમે તે જાણી શકીએ.” 20 જેઓ ખોટાને સારું અને સારાને ખોટું કહે છે; જેઓ અજવાળાંને સ્થાને અંધકાર અને અંધકારને સ્થાને અજવાળું ઠરાવે છે; જેઓ કડવાને સ્થાને મીઠું અને મીઠાનું કડવું ઠરાવે છે તેઓને અફસોસ! 21 જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ! 22 જેઓ દ્રાક્ષારસ પીવામાં શૂરા અને દારૂ મિશ્રિત કરવામાં કુશળ છે તેઓને અફસોસ! 23 તેઓ લાંચ લઈને દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને ન્યાયીનું ન્યાયીપણું છીનવી લે છે! 24 તેથી જેમ અગ્નિની જીભ ઠૂંઠાને સ્વાહા કરી જાય છે; અને સૂકું ઘાસ ભડકામાં બળી જાય છે, તેમ તેઓનાં મૂળ સડી જશે અને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના નિયમ તજ્યા છે અને ઇઝરાયલના પવિત્રના વચનનો અનાદર કર્યો છે. 25 તેથી યહોવાહનો કોપ પોતાના લોકો વિરુદ્ધ સળગ્યો છે અને તેઓના પર યહોવાહે હાથ ઉગામીને તેમને સજા કરી છે; પર્વતો ધ્રૂજ્યા અને લોકોના મૃત દેહ ગલીઓમાં કચરાની જેમ પડ્યા છે. તેમ છતાં, તેમનો ક્રોધ શાંત થયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે. 26 તે દૂરથી વિદેશીઓની તરફ ધ્વજા ઊભી કરશે અને તેઓને સીટી વગાડીને પૃથ્વીને છેડેથી બોલાવશે; જુઓ, તેઓ ઉતાવળે ઝટ આવશે. 27 તેઓમાં કોઈ થાકેલો નથી, કોઈ ઠોકર ખાતો નથી; નથી કોઈ ઝોકાં ખાતો કે નથી કોઈ ઊંઘતો; કોઈનો કમરબંધ ઢીલો નથી, કે કોઈ પગરખાંની દોરી તૂટેલી નથી; 28 તેમનાં બાણ તીક્ષ્ણ કરેલાં છે અને ધનુષ્યો ખેંચેલાં છે; તેમના ઘોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં ચક્રો વંટોળિયાના જેવાં છે. 29 તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહના બચ્ચાની જેમ ગર્જના કરશે. તેઓ શિકારને પકડીને દૂર લઈ જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ. 30 તે દિવસે તેના પર તે સમુદ્રના ઘુઘવાટની જેમ ઘૂરકશે. જો કોઈ તે દેશને ધારીને જોશે, તો જ્યાં જુઓ અંધકાર તથા વિપત્તિ દેખાશે અને આકાશમાં પ્રકાશને સ્થાને અંધકાર દેખાશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.