Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


પ્રભુનો સેવક

1 જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.

2 તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.

3 છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે.

4 તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; અને ટાપુઓ તેના નિયમની વાત જોશે.

5 આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.

6 “મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,

7 જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે.

8 હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.

9 જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું.”


સ્તુતિ ગાન

10 યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ.

11 અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.

12 તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.

13 યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.


પ્રભુનું પોતાના લોકોને સહાયવચન

14 હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ.

15 હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ.

16 જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ.

17 જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, “તમે અમારા દેવ છો,” તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે.

18 હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ.

19 મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે?

20 તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.

21 યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા.

22 પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને “તેઓને પાછા લાવો” એવું કહેનાર કોઈ નથી.

23 તમારામાંનો કોણ આને કાન દેશે? ભવિષ્યમાં કોણ ધ્યાન દઈને સાંભળશે?

24 કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.

25 માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. તેમણે તેને ચારેતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan