યશાયા 40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આશ્વાસનના શબ્દો 1 તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.” 2 યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે. 3 સાંભળો કોઈ એવું પોકારે છે, “અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.” 4 સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે. 5 યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે. 6 “પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે. 7 ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે. 8 ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.” 9 હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!” 10 જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે. 11 ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે. ઇઝરાયલના અજોડ ઈશ્વર 12 કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે? 13 કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે? 14 તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે? 15 જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે. 16 લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી. 17 સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે. 18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો? 19 મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે. 20 જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે. 21 શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી? 22 પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે. 23 અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે. 24 જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે. 25 વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?” 26 તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી. 27 યાકૂબ, શા માટે કહે છે, અને ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, “મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?” 28 તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી. 29 થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે. 30 છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે: 31 પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.