યશાયા 32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ધાર્મિક રાજાનું ધર્મરાજ 1 જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે. 2 તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે. 3 પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે. 4 ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે. 5 ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ. 6 કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ. 7 ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે. 8 પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે. પતન અને પુન:સ્થાપના 9 સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો. 10 હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ. 11 હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો. 12 તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો. 13 મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે. 14 કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે; 15 જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે. 16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે. 17 ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે. 18 મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે. 19 પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે. 20 તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.