યશાયા 28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઉત્તરના રાજ્યને ચેતવણી 1 એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને, તેની તેજસ્વી સુંદરતાનાં લુપ્ત થતાં ફૂલોને, રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનારાં ચીમળાનાર ફૂલોને અફસોસ છે. 2 જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે. 3 એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને તે પગ નીચે પછાડાશે. 4 અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે. 5 તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે. 6 જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે. યહૂદિયાના છાકટા પ્રબોધકો 7 પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે. 8 ખરેખર, ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કોઈ પણ જગા સ્વચ્છ રહી નથી. 9 તે કોને ડહાપણ શીખવશે અને કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા સ્તનપાન છોડાવેલાઓને સમજાવશે? 10 કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે. 11 કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. 12 પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; અને આ તાજગી છે,” પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ. 13 તેથી યહોવાહના શબ્દો તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવા થશે; તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય. તુમાખીઓને ચેતવણી અને કોણશિલા 14 એ માટે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર, તિરસ્કાર કરનાર તમે યહોવાહનાં વચન સાંભળો: 15 કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ.” 16 તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ. 17 હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે. 18 મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. 19 તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે. 20 કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ.” 21 કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે. 22 તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે. ઈશ્વરનું ડહાપણ 23 કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો. 24 શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે? 25 જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું? 26 કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે. 27 વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે. 28 રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ. 29 આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.