યશાયા 22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યરુશાલેમ અંગે અગમવાણી 1 દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે? 2 અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી. 3 તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા. 4 તેથી હું કહું છું કે, “મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ. 5 કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે, કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે. 6 એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી છે. 7 તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.” 8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં. 9 વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. 10 તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં. 11 વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો. પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ. 12 પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા. 13 પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું. 14 મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે. કારભારી શેબ્નાને ચેતવણી 15 પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે: 16 ‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!” 17 જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે. 18 તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે. 19 “હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ. 20 તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ. 21 હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે. 22 હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે. 23 હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે. 24 તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે. 25 સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.