હિબ્રૂઓ 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019વિશ્વાસના શૂરવીરોની યાદી 1 હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. 2 કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી. 3 વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી. 4 વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચઢાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે. 5 વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’” 6 પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે. 7 નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો. 8 ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો. 9 વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા. 10 કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો. 11 વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા. 12 એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા. 13 એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ. 14 કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે, તેઓ વતનની શોધ કરે છે. 15 જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત. 16 પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે. 17 ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે, 18 ‘ઇસહાકથી તારો વંશ ગણાશે,’ તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું. 19 કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. 20 વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું. 22 વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમન વિષેની વાત સંભળાવી અને પોતાનાં અસ્થિ સંબંધી આજ્ઞા આપી. 23 વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જનમ્યાં પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહિ. 24 વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું. 26 મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું. 27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો. 28 વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા લોહી છાંટવાની વિધિનું પાલન કર્યું, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહિ. 29 વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા. 30 વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો. 31 વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહિ. 32 એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી. 33 તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં, 34 અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં. 35 વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે; 36 બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા. 37 તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા; 38 માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા. 39 એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ. 40 કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.