નિર્ગમન 30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ધૂપવેદી નિર્ગ. 37:25-28 1 ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી. 2 આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય. 3 વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. 4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. 5 એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. 6 દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે કરારકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી. ત્યાં હું તેઓને દર્શન આપીશ. 7 એ વેદી પર પ્રતિદિન સવારે બત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ બાળવો. 8 અને રોજ સાંજે તે બત્તીઓ પ્રગટાવે ત્યારે યહોવાહની સંમુખ ધૂપ બાળવો. તારે પેઢી દર પેઢી કાયમ યહોવાહ સમક્ષ ધૂપ બાળવો. 9 તારે એ વેદી પર અન્ય ધૂપ બાળવો નહિ કે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ કે પેયાર્પણ ચઢાવવાં નહિ. 10 વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માટે પાપાર્થાર્પણનું રક્ત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી દર પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાહની પરમપવિત્ર વેદી છે. 11 યહોવાહે મૂસાને કહ્યું, 12 “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે. 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો. 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું. 15 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. 16 ઇઝરાયલીઓ પાસેથી મળેલાં જીવના બદલામાં અર્પણ કરેલાં પ્રાયશ્ચિતનાં નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ ઇઝરાયલી લોકોને માટે યહોવાહની સમક્ષતામાં સ્મરણરૂપ થશે.” પિતળનો હોજ 17 યહોવાહે મૂસાને કહ્યું, 18 “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું. 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા અર્પણ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. 21 તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.” અભિષેકનું તેલ 22 યહોવાહે મૂસાને કહ્યું, 23 “તારે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, એટલે પાંચસો શેકેલ ચોખ્ખો બોળ, અઢીસો શેકેલ સુગંધીદાર તજ, અઢીસો સુગંધીદાર બરુ, 24 પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું. 25 નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું. 26 અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને, 27 બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને, 28 દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે. 29 આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે. 30 ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર. 31 તારે ઇઝરાયલીઓને કહેવું, ‘તમારે પેઢી દર પેઢી આ મારે માટે અભિષેકનું તેલ થાય. 32 તે માણસોના શરીરે ન લગાડાય અને તેના જેવું બીજું તેલ તમારે બનાવવું નહિ, કેમ કે એ પવિત્ર તેલ છે અને તમારે માટે એ પવિત્ર ગણાશે. 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’” ધૂપ 34 યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં. 35 તેના મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો. આ ધૂપ નિષ્ણાત કારીગર બનાવતો હોય તે રીતે બનાવવો. એ ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠું મેળવવું. 36 એમાંથી થોડો ભાગ ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમારે આ ધૂપને અત્યંત પવિત્ર માનવો. 37 આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી. 38 તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.