નિર્ગમન 16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019માન્ના અને લાવરીઓ 1 ઇઝરાયલીઓએ એલીમથી પોતાની મુસાફરી શરૂ કરી. તેઓ મિસરમાંથી બહાર આવ્યા પછી બીજા માસને પંદરમે દિવસે એલીમ અને સિનાઈની વચ્ચે આવેલા સીનના અરણ્યમાં આવી પહોંચ્યા. 2 અહીં બધા ઇઝરાયલી લોકોએ આખા અરણ્યમાં મૂસા અને હારુનની વિરુદ્ધ બબડાટ કર્યે રાખ્યો. 3 ઇઝરાયલીઓએ મૂસા અને હારુનને કહ્યું, “જ્યારે અમે માંસથી ભરેલાં વાસણ પાસે બેસીને ધરાતાં સુધી ખાતા હતા, ત્યારે જ જો યહોવાહે પોતાને હાથે અમને મિસરમાં મારી નાખ્યા હોત તો સારું થાત. એવું થયું હોત તો આ અરણ્યમાં અમને બધાને ભૂખે મરવાનો વારો આવ્યો હોત નહિ.” 4 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “હું તમારે માટે રોટલીનો વરસાદ વરસાવીશ. આ બધા લોકોએ દરરોજ બહાર આવીને તેમાંથી તે દિવસ પૂરતી રોટલી પોતાને માટે ભેગી કરી લે; જેથી તેઓ મારા કાનૂન અનુસાર ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું. 5 લોકો દરરોજ તે દિવસ પૂરતી જ રોટલીનો સંગ્રહ કરે, પરંતુ છઠ્ઠા દિવસે રોજ કરતાં બમણી રોટલી ભેગી કરે અને પોતાના સ્થળે રાંધે.” 6 અને મૂસા અને હારુને ઇઝરાયલી લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાહની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને બચાવીને બહાર લાવનાર તે ઈશ્વર તો યહોવાહ છે. 7 કાલે સવારે તમે લોકો યહોવાહનું ગૌરવ જોશો કારણ કે તેમણે તેઓની વિરુદ્ધની તમારી ફરિયાદ કાને ધરી છે, તમે હમેશાં અમને ફરિયાદ કરો છો, પણ અમે એમાં શું કરી શકીએ?” 8 પછી મૂસાએ કહ્યું, “યહોવાહ, સાંજે તમને ખાવા માટે માંસ આપશે અને સવારે ઘરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. તમારી ફરિયાદ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાહની વિરુદ્ધ છે. અમે તે વળી કોણ?” 9 પછી મૂસાએ હારુનને કહ્યું, તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે યહોવાહની સમક્ષ આવો. કારણ કે તેમણે તમારી ફરિયાદો સાંભળી છે.’” 10 ઇઝરાયલનો સમગ્ર સમુદાય એક જ સ્થાને ભેગો થયો હતો. ત્યારે હારુન તેઓની સાથે વાત કરતો હતો. તે દરમિયાન તેઓએ અરણ્ય તરફ જોયું, તો વાદળમાં યહોવાહના ગૌરવનું દર્શન થયું. 11 યહોવાહે મૂસાને કહ્યું, 12 “મેં ઇઝરાયલના લોકોની ફરિયાદ સાંભળી છે; તેઓને કહે કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે ઘરાઈને રોટલી ખાશો;’ અને તમને ખાતરી થશે કે હું તમારો ઈશ્વર યહોવાહ છું.” 13 તે રાત્રે એવું બન્યું કે લાવરીઓએ ઊડી આવીને છાવણીને ભરી દીધી; સવારમાં છાવણીની આસપાસ ઝાકળ પડ્યું. 14 સૂરજ ઊગતાં ઝાકળ ઊડી ગયું અને હિમના જેવો બારીક નાનો પદાર્થ અરણ્યની સપાટી પર પડેલો હતો. 15 ઇઝરાયલી લોકો એ જોઈને પરસ્પર પૂછવા લાગ્યા, “એ શું છે?” કેમ કે તેઓ આ પદાર્થ વિષે જાણતા નહોતા. ત્યારે મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાહે તમને ખાવા માટે આપેલો ખોરાક છે.” 16 યહોવાહની એવી આજ્ઞા છે કે, ‘તમે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલું ભેગું કરી લો. તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે તમારા તંબુમાં રહેનારા માટે વ્યક્તિ દીઠ એક ઓમેર જેટલું તે લેવું.’ 17 અને ઇઝરાયલી લોકોએ એ પ્રમાણે કર્યું. પણ તેમાંના કેટલાકે વધારે તો કેટલાકે ઓછું ભેગું કરી લીધું. 18 અને પછી તેઓએ ઓમેરના માપિયાથી માપ્યું ત્યારે જેણે વધુ લીધું હતું તેને વધી પડ્યું નહિ અને જેણે ઓછું ભેગું કર્યુ હતું તેને ખૂટ્યું નહિ. પ્રત્યેક માણસથી પોતાના આહાર પૂરતું જ એકઠું કરાયું હતું. 19 મૂસાએ તેઓને કહ્યું, “તમારામાંથી કોઈએ તેમાંથી સવારને માટે રાખી મૂકવું નહિ.” 20 પરંતુ કેટલાકે મૂસાનું કહ્યું માન્યું નહિ. તેઓએ તેમાંથી થોડુંઘણું સવારને માટે રાખ્યું તો સવારે તેમાં કીડા પડેલા હતા. અને તે ગંધાઈ ઊઠયું. તેથી મૂસા તેમના પર ગુસ્સે થયો. 21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું. 22 અઠવાડિયાનાં છઠ્ઠે દિવસે તેઓએ બમણો એટલે વ્યક્તિ પ્રમાણે બે ઓમેર જેટલો ખોરાક ભેગો કર્યો. પછી સમુદાયના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું. 23 મૂસાએ તેઓને કહ્યું, યહોવાહની એ આજ્ઞા છે કે, “આવતી કાલે વિશ્રામ એટલે યહોવાહનો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે; તેથી તમારે જે રાંધવું હોય તે રાંધી લો, અને જે વધે તે તમારા માટે સવાર સુધી રાખી મૂકો.” 24 આથી મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂકયું, પણ તેમાં કીડા પડયા નહિ અને તે ગંધાઈ ઊઠ્યું પણ નહિ. 25 અને મૂસાએ કહ્યું, “આજે તે ખાઓ, કારણ કે આજે વિશ્રામવાર છે, યહોવાહનો દિવસ છે; આજે તે તમને ખેતરમાં મળશે નહિ. 26 સપ્તાહના છે દિવસ તમે એ ભેગું કરો; પણ સાતમો દિવસ વિશ્રામવારનો છે, તેમાં તમને કંઈ મળશે નહિ.” 27 સાતમા દિવસે કેટલાક લોકો તે ભેગું કરવા માટે બહાર ગયા, પણ તેમને કંઈ મળ્યું નહિ. 28 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરશો?” 29 જુઓ, યહોવાહે તમને વિશ્રામવાર આપ્યો છે, તેથી છઠ્ઠે દિવસે તે તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપશે, એટલે સાતમે દિવસે તેઓએ દરેકે પોતપોતાના નિવાસમાં જ રહેવું અને બહાર નીકળવું નહિ.” 30 તેથી તે લોકોએ સાતમે દિવસે વિશ્રામ કર્યો. 31 ઇઝરાયલી લોકોએ તે વિશિષ્ટ ખોરાકનું નામ “માન્ના” પાડ્યું. માન્ના ધાણાના દાણા જેવું સફેદ હતું. તેનો સ્વાદ મધ ચોપડેલી પાતળી પૂરીના જેવો હતો. 32 ત્યારે મૂસાએ કહ્યું, “યહોવાહે તમને આદેશ આપ્યો છે કે, ‘તમારા વંશજોને માટે તેમાંથી એક ઓમેર જેટલું માન્ના રાખી મૂકો; જેથી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને લોકોને જે ભોજન ખવડાવ્યું હતું તે તેઓ જોઈ શકે.’” 33 પછી મૂસાએ હારુનને કહ્યું કે, “એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે સાચવી રાખવા સારુ તેને યહોવાહની સમક્ષ મૂકો.” 34 યહોવાહે મૂસાને આજ્ઞા આપ્યા મુજબ હારુને તેને સાચવી રાખવા માટે કરારકોશ આગળ તેને મૂક્યું. 35 પછી ત્યાંથી ઇઝરાયલી લોકો વસવાટ કરવા યોગ્ય પ્રદેશમાં આવ્યા, એ દરમિયાન તેઓએ તે માન્ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્ના ખાધું. 36 માન્નાના માપ માટે વપરાતા પાત્રમાં એક ઓમેર માન્ના સમાતું હતું. એક ઓમેર એટલે એફાહનો દસમો ભાગ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.