એસ્તેર 8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019શાહી ફરમાનથી યહૂદીઓ પોતાના દુશ્મનો પર સામા ત્રાટક્યા 1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધાં. અને એસ્તેરે યહૂદી મોર્દખાય સાથે સગપણ જણાવ્યું. એટલે મોર્દખાયને રાજા સમક્ષ તેંડવામાં આવ્યો. 2 રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી મુદ્રિકા કાઢીને મોર્દખાયને આપી અને એસ્તેરે મોર્દખાયને હામાનના ઘરબારનો કારભારી ઠરાવ્યો. 3 એસ્તેર રાણી ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને તેણે આંખમાં આંસુ સાથે અગાગી હામાને યહૂદીઓની વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કર્યા. 4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી. 5 એસ્તરે કહ્યું, “જો આપની મરજી હોય અને જો આપની મારા પર કૃપાદૃષ્ટિ હોય અને જો આ વિચાર આપને સારો લાગે તો અને આપની આંખોને હું ગમતી હોઉં તો અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે પત્ર રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો. 6 કેમ કે મારા લોકો પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારા સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?” 7 ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાય તથા એસ્તેર રાણીને કહ્યું, “જુઓ, હામાનનાં ઘરબાર મેં એસ્તેરને સોંપ્યાં છે તથા તેને તેઓએ ફાંસી પર લટકાવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 8 તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ પર રાજાના નામથી લખાણ કરો અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.” 9 ત્યારે ત્રીજા મહિનાના એટલે સીવાન મહિનાના ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને મોર્દખાયની આજ્ઞા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ ભારત દેશથી તે કૂશ સુધીના એકસો સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમ જ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો. 10 મોર્દખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો. અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા. 11 એ પત્રોમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓ તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામનો કરે કે જે લોક તથા પ્રાંત તેઓના પર હુમલો કરે તો કોઈ પણ પ્રાંતની સતાનો, બાળકોનો તથા સ્ત્રીઓને મારી નાખવાની તથા લૂંટી લેવાની પરવાનગી આપવામાં આવી. 12 આ હુકમ રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમેં મહિને એટલે અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો. 13 એ હુકમ સર્વ પ્રાંતોમાં પ્રગટ કરવામાં આવે એટલા માટે તેની એક એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું. 14 રાજાની સેવામાં વપરાતા ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સૂસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો. 15 મોર્દખાય ભૂરા અને સફેદ રાજપોશાક તથા માથે મોટો સોનાનો મુગટ મૂકી અને બારીક શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો. અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો. 16 યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી. અને તેઓને માન પણ આપવામાં આવ્યું. 17 સર્વ નગર તથા સર્વ પ્રાંતોમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદર્શિત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણ કે તે લોકોને યહૂદીઓનો ડર લાગ્યો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.