એસ્તેર 3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યહૂદીઓનો પૂરો નાશ કરવાની હામાનની યોજના 1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી. 2 રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાય નમસ્કાર કરતો ન હતો. અને માન પણ આપતો ન હતો. 3 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું, “તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે?” 4 તેઓ દરરોજ તેને પૂછયા કરતા હતા પણ તે તેઓની વાત સાંભળતો નહોતો. ત્યારે એમ થયું કે તે મોર્દખાયની આવી વર્તણૂંક સહન કરે છે કે કેમ તે જોવા સારુ તેઓએ આ બાબત હામાનને કહી દીધી. કેમ કે તેણે તેઓને કહ્યું હતું કે’ હું યહૂદી છું. 5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય મને નમસ્કાર કરતો નથી અને મને માન પણ આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો. 6 પણ એકલા મોર્દખાય પર હાથ નાખવો એ વિચાર તેને યોગ્ય લાગ્યો નહિ કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તેથી હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવા વિષે વિચાર્યું. 7 અહાશ્વેરોશ રાજાના બારમા વર્ષના પહેલા મહિનામાં એટલે કે નીસાન મહિનામાં પ્રતિદિન અને પ્રતિમહિનાને માટે હામાનની હાજરીમાં ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમા દિવસ પર ચિઠ્ઠી પડી. 8 ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોના લોકોમાં પસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. બીજા બધા લોકો કરતાં તેઓના રીતરિવાજો જુદા છે અને તેઓ આપના એટલે રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા તે તમારા હિતમાં નથી.” 9 માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત ચાંદી રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.” 10 એ સાંભળીને રાજાએ પોતાના હાથમાંથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને તે આપી. 11 રાજાએ હામાનને કહ્યું કે, “તારું ચાંદી તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર.” 12 ત્યાર બાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિમાં અને દરેક પ્રાંતની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું; અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી. 13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી. 14 આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે. 15 સંદેશાવાહકો રાજાની આજ્ઞા પ્રમાણે તરત જ રવાના થયા. તે હુકમ સૂસાના મહેલમાં જાહેર થયો. રાજા તથા હામાન દ્રાક્ષારસ પીવાને બેઠા; પણ સૂસા નગરમાં ગભરાટ અને તરખાટ મચી રહ્યો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.