એસ્તેર 1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આહાશ્વેરોશે આપેલી મિજબાની 1 અહાશ્વેરોશ રાજા જે ભારત દેશથી કૂશ સુધીના એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એવું બન્યું કે, 2 રાજા અહાશ્વેરોશ સૂસાના મહેલમાં પોતાના સિંહાસન પર બિરાજમાન હતો તે દરમિયાન. 3 તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ સરદારો અને તેના સેવકોને મિજબાની આપી. ત્યારે ઇરાન તથા માદાયના અમલદારો, પ્રાંતોના અમીર ઉમરાવો તથા સરદારો તેની સમક્ષ ઉપસ્થિત હતા. 4 ત્યારથી તેણે પોતાના વિખ્યાત રાજ્યનું ગૌરવ અને પોતાના મહાપ્રતાપનો વૈભવ સતત એકસો એંશી દિવસ પ્રદર્શિત કર્યા. 5 એ દિવસો પછી રાજાએ સૂસાના મહેલમાં જેઓ હાજર હતા તે નાનામોટાં સર્વ લોકોને, સાત દિવસ સુધી મહેલના બાગના ચોકમાં મિજબાની આપી. 6 ત્યાં સફેદ, ભૂરા તથા જાંબુડી રંગના વસ્ત્રના પડદા ચાંદીની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનાચાંદીના પલંગો લાલ, ધોળા, પીળા તથા કાળાં આરસપહાણની ફરસબંધી પર સજાવેલા હતા. 7 તેઓને પીવા માટેના પ્યાલા સોનાના હતા. એ પ્યાલા વિશિષ્ઠ પ્રકારના હતા. અને રાજાની ઉદારતા પ્રમાણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં મદીરા હતો. 8 તે માપસર પીવામાં આવતો હતો, જોકે કોઈને પીવા માટે દબાણ કરી શકાતું ન હતું. કેમ કે રાજાએ પોતાના મહેલના સર્વ કારભારીઓને હુકમ કર્યો હતો કે, “તમારે પ્રત્યેક માણસની મરજી પ્રમાણે મદીરા પીરસવો.” વાશ્તી રાણીએ રાજાના હુકમનો અનાદર કર્યો 9 રાજાની રાણી વાશ્તીએ પણ અહાશ્વેરોશ રાજાના રાજમહેલમાં ભવ્ય મિજબાની આપી. 10 સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજા જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી 11 “વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય લોકો તથા સરદારો સમક્ષ પ્રદર્શિત કરવા માટે મારી સમક્ષ હાજર કરો. તે દેખાવમાં ખૂબ રૂપાળી હતી. 12 પણ રાજાએ પોતાના ખોજાઓની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે રાજાની સમક્ષ ઉપસ્થિત થવાની વાશ્તી રાણીએ ચોખ્ખી ના પાડી દીધી. આથી રાજા એટલો બધો ઉગ્ર થયો કે તે ક્રોધથી તપી ગયો. બાદશાહી ફરમાન અને વાશ્તીને સજા 13 તેથી રાજાએ સમયો પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું. કેમ કે તે સમયે નિયમ તથા રૂઢી જાણનાર સર્વને પૂછવાનો રાજાનો રિવાજ હતો. 14 હવે જેઓ રાજાની ખૂબ જ નિકટ હતા તેઓ કાર્શના, શેથાર આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના, અને મમૂખાન હતા. તેઓ સાત ઇરાનના અને માદાયના સરદારો હતા. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા, અને રાજ્યમાં પ્રથમ હરોળની બેઠકોના હકદાર હતા. 15 અહાશ્વેરોશ રાજાએ પૂછ્યું “કાયદા પ્રમાણે વાશ્તી રાણીને આપણે શું કરવું? કેમ કે તેણે ખોજાઓ મારફતે આપેલી મારી આજ્ઞાની અવગણના કરી છે.” 16 પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમૂખાને જણાવ્યું કે, “વાશ્તી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહિ પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે. 17 જો રાણીએ કરેલું આ વર્તન સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે, તો સર્વત્ર એવી વાત પ્રસરી જશે કે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની સમક્ષ આવવાની આજ્ઞા કરી પણ તે આવી નહિ.’ એથી દેશની સ્ત્રીઓ પોતાના પતિઓને તુચ્છકારપાત્ર ગણશે. 18 જો ઇરાન તથા માદીના સરદારોની સ્ત્રીઓએ રાણીના આ કૃત્ય વિષે સાંભળ્યું હશે તો તેઓ પણ પોતાના પતિઓને એવા જ ગણશે. અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે. 19 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઇરાન તથા માદીના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, ‘વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.’ અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું. 20 રાજા જે હુકમ કરશે તે જયારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને પછી ભલે તે નાના હોય કે મોટા પણ તેઓને માન આપશે.” 21 એ સલાહ રાજા તથા તેના સરદારોને સારી લાગી. તેથી રાજાએ મમૂખાનના કહેવા પ્રમાણે કર્યુ. 22 રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા કે, પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે.” અને એ હુકમ તે પોતાના લોકોની ભાષામાં જાહેર કરે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.