Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓ 4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


શરીરનું ઐક્ય

1 એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;

2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;

3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;

5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,

6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

7 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.

8 એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.

9 તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.

10 જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

11 વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,

12 તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;

13 ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.

14 જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.

15 પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.

16 એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.


ખ્રિસ્તમાં નવું જીવન

17 એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;

18 તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.

19 તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

20 પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,

21 જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,

22 તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.

23 અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.

24 અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.

25 એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.

26 ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;

27 અને શેતાનને સ્થાન આપો નહિ.

28 ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

29 તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.

30 ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.

31 સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.

32 તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan