સભાશિક્ષક 2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેથી મેં સ્વયં પોતાને કહ્યું કે, “ચાલ ત્યારે, આનંદથી હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે “પણ જુઓ, એ પણ વ્યર્થ છે. 2 મેં વિનોદ કરવા વિષે કહ્યું કે “તે મૂર્ખાઈ છે,” મોજશોખથી શો લાભ થાય? 3 પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા શરીરને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે છે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના પૂરા આયુષ્યપર્યંત શું કરવું સારું છે તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું. 4 પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષવાડીઓ રોપાવી. 5 મેં પોતાને માટે બગીચા બનાવડાવ્યા; અને સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. 6 મેં મારાં માટે જળાશયો ખોદાવ્યાં જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચી શકાય. 7 મેં દાસદાસીઓ ખરીદ્યા. અને મારા ઘરમાં જન્મેલા ચાકરો પણ મારી પાસે હતા. જેઓ મારી અગાઉ યરુશાલેમમાં થઈ ગયા તે સર્વના કરતાં પણ મારી પાસે ગાય-બળદોનાં તથા ઘેટાં-બકરાનાં ટોળાંની સંપત્તિ વધારે હતી. 8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી. 9 એમ હું પ્રતાપી થયો. અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું. 10 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં. 11 જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ. 12 હવે મેં જ્ઞાન, પાગલપણું અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું. કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે. 13 પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે. 14 જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે. અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે, તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે. 15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેવું મને પણ થવાનું જ છે. તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?” ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, “એ પણ વ્યર્થતા છે.” 16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી અને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે. 17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે. 18 તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે. 19 વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં જેના માટે મેં પરિશ્રમ કર્યો અને પૃથ્વી પર જેના માટે મારા ડહાપણનો ઉપયોગ કર્યો તે સર્વ પર તે અધિકાર ભોગવશે. આ પણ વ્યર્થતા છે. 20 તેથી હું ફર્યો, અને પૃથ્વી પર જે સર્વ કામો માટે મેં પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે મેં મારા મનને નિરાશ કર્યું. 21 કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે. 22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું ફળ પ્રાપ્ત થાય છે? 23 કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે. 24 ખાવું, પીવું અને પોતાના કામમાં આનંદ માણવો તેનાં કરતાં વધારે સારું મનુષ્ય માટે બીજું કશું નથી. પછી મને માલૂમ પડ્યું કે આ ઈશ્વરના હાથથી જ મળે છે. 25 પરંતુ ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે? 26 કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.