પુનર્નિયમ 4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ઈશ્વરને આજ્ઞાધીન રહેવા મૂસાની ઇઝરાયલને વિનંતી 1 હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો. 2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો. 3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો. 4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે. 5 જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો. 6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.” 7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે. 8 બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે? 9 ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો. 10 તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, “લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે.” 11 તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં. 12 તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો. 13 તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા. 14 તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો. મૂર્તિપૂજા સામેની ચેતવણી 15 “માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો. 16 માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો, 17 પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા, 18 અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ. 19 સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો. 20 પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો. 21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, “તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ.” 22 હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો. 23 તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ. 24 કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે. 25 તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો; 26 તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે. 27 યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે. 28 અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો. 29 પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે. 30 જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો 31 તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ. 32 કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે? 33 જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું? 34 અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે? 35 આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 36 તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા. 37 અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા. 38 એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ. 39 એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 40 તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય. યર્દનની પૂર્વેના આશ્રયનગરો 41 પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં, 42 એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય. 43 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન. 44 ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે; 45 ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે, 46 અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં. 47 તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો. 48 આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી, 49 અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.