પુનર્નિયમ 33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે; 2 મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો. 3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, તેઓ તેમના ચરણ આગળ બેઠા; અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે. 4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. 5 જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા. 6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે.” 7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.” 8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે. 9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, અને તમારો કરાર તેઓ પાળે છે. 10 તેઓ યાકૂબને તમારા હુકમો અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; અને તેઓ તમારી આગળ ધૂપ, તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે. 11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, અને તેઓના હાથનાં કામો સ્વીકારો; જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.” 12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.” 13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી, 14 સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી, 15 પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી, 16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો. 17 તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. એફ્રાઇમના દસ હજારો અને મનાશ્શાના હજારો છે.” 18 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. 19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે. ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.” 20 ગાદ વિષે મૂસાએ કહ્યું, “ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. તે ત્યાં સિંહણ જેવો રહે, તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે. 21 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” 22 મૂસાએ દાન વિષે કહ્યું, “દાન બાશાનથી કૂદી નીકળતું, સિંહનું બચ્ચું છે.” 23 નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.” 24 આશેર વિષે મૂસાએ કહ્યું, “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો. 25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.” 26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. 27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, અને કહ્યું, “નાશ કર!” 28 ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. 29 હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! યહોવાહ જે તારી સહાયની ઢાલ, તારી ઉત્તમતાની તલવાર તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? તારા શત્રુઓ જુઠા કરશે; તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.