Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.

2 મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.

3 કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ. અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.

4 યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.

5 તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.

6 ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો શું તમે યહોવાહને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.

7 ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે. તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.

8 જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો. જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.

9 કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે. યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.

10 તે તેઓને ઉજ્જડ દેશમાં, તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા; તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા. અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.

11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.

12 એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં; કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.

13 તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા, તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું, તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું

14 તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.

15 પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.

16 તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.

17 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

18 ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા, તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.

19 આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.

20 તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.

21 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.

22 માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.

23 પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.

24 તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,

25 બહાર તલવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,

26 હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.

27 પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.

28 કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.

29 તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!

30 જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?

31 આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,

32 તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે; તેઓની લૂમો કડવી છે.

33 તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.

34 શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?

35 તેનો પગ લપસી જશે; તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે. કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે.”

36 કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.

37 પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?

38 જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!

39 હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું, મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા? હું જ મારું છું, અને હું જ જિવાડું છું, હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું; અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.

40 હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને, મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,

41 જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ, અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.

42 જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તલવાર માંસ ખાશે.’

43 ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.

44 મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.

45 પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.


મૂસાની આખરી સૂચનાઓ

46 ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.

47 આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”

48 તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,

49 “મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.

50 અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ.

51 કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.

52 કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan