દાનિયેલ 4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 રાજા નબૂખાદનેસ્સારે આ હુકમ પૃથ્વી પર રહેતા સર્વ લોકોમાં, પ્રજાઓમાં તથા વિવિધ ભાષાઓ બોલનારાઓમાં મોકલ્યો: “તમને અધિકાધિક શાંતિ હો. 2 પરાત્પર ઈશ્વરે જે ચિહ્નો તથા ચમત્કારો મારી સાથે કર્યાં તે વિષે તમને કહેવું એ મને સારું લાગ્યું છે. 3 તેમનાં ચિહ્નો કેવાં મહાન છે, તેમના ચમત્કારો કેવા મહાન છે! તેમનું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે, તેમનો અધિકાર પેઢી દરપેઢીનો છે.” 4 હું, નબૂખાદનેસ્સાર મારા ઘરમાં સુખશાંતિમાં રહેતો હતો. હું મારા મહેલમાં વૈભવ માણતો હતો. 5 પણ મને સ્વપ્ન આવ્યું તેથી હું ગભરાયો. હું સૂતો હતો ત્યારે જે પ્રતિમાઓ તથા સંદર્શનો મારા મગજમાં હું જોતો હતો તેણે મને ગભરાવી દીધો. 6 તેથી મેં હુકમ કર્યો કે, બાબિલના બધા જ્ઞાની પુરુષોને મારી આગળ લાવો કે, જેથી તેઓ મારા સ્વપ્નનો અર્થ જણાવે. 7 ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જ્યોતિષીઓ મારી આગળ આવ્યા. મેં તેઓને સ્વપ્ન કહી સંભળાવ્યું, પણ તેઓ મને તેનો અર્થ જણાવી શક્યા નહિ. 8 પણ આખરે દાનિયેલ જેનું નામ મારા દેવના નામ પરથી બેલ્ટશાસ્સાર પાડ્યું હતું, જેનામાં પવિત્ર દેવોનો આત્મા છે તે મારી આગળ આવ્યો. મેં તેને સ્વપ્નની વાત કહી. 9 “હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે. 10 હું મારી પથારી પર સૂતો હતો ત્યારે મારા મગજમાં મેં આ સંદર્શન જોયાં: મેં જોયું, તો જુઓ પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ હતું, તેની ઊંચાઈ ઘણી મોટી હતી. 11 તે વૃક્ષ વધીને મજબૂત થયું. તેની ટોચ આકાશે પહોંચી અને તે પૃથ્વીને છેડેથી નજરે પડતું હતું. 12 તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ હતા, તેથી બધાંને ખોરાક મળતો હતો, જંગલી પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતાં, આકાશના પક્ષીઓ તેની ડાળીઓમાં વાસો કરતા હતા. બધા જીવોને તેનાથી પોષણ મળતું હતું. 13 મારા પલંગ પર હું મારા મગજમાં આ સંદર્શન જોતો હતો, ત્યારે એક પવિત્ર દૂત સ્વર્ગમાંથી નીચે ઊતરી આવ્યો. 14 તેણે મોટે અવાજે કહ્યું, ‘આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓ પણ કાપી નાખો, તેનાં પાંદડાં ખંખેરી નાખો અને તેનાં ફળ તોડી નાખો. તેની છાયામાંથી પશુઓ નાસી જાઓ અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓ ઊડી જાઓ. 15 તેના મૂળની જડને પૃથ્વીમાં, લોખંડ તથા સાંકળોથી બાંધીને તેને ખેતરના કુમળા ઘાસ મધ્યે રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો. તેને ભૂમિ પરના ઘાસમાં પશુઓ મધ્યે રહેવા દો અને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે. 16 તેનું માણસનું હૃદય બદલાઈને, તેને પશુનું હૃદય આપવામાં આવે આમ સાત વર્ષ વીતે. 17 આ નિર્ણય જાગૃત રહેનારાના હુકમથી છે. તે આજ્ઞા પવિત્ર દૂતોના વચનથી છે. જેથી જીવતા માણસો જાણે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, પોતાની મરજી હોય તેને તે આપે છે, નમ્ર માણસોને તેના પર અધિકારી ઠરાવે છે.’ 18 મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું. હવે હે બેલ્ટશાસ્સાર, તું મને તેનો અર્થ જણાવ, કેમ કે મારા રાજ્યના જ્ઞાની માણસો મને તેનો અર્થ સમજાવી શકે તેમ નથી. પણ તું તે કરવાને સમર્થ છે, કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા રહે છે.” દાનિયેલે કરેલો અર્થ 19 ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પણ હતું, તે કેટલીક વાર સુધી ઘણો સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત થઈ ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે તેના અર્થથી તું ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “મારા સ્વામી, તે સ્વપ્ન તમારા દ્વેષીઓને તથા તેનો અર્થ તમારા દુશ્મનોને લાગુ પડો. 20 જે વૃક્ષ તમે જોયું, જે વધીને મજબૂત થયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી, જે પૃથ્વીના છેડે દેખાતું નહતું. 21 જેનાં પાંદડાં સુંદર હતાં, જેને ઘણાં ફળ લાગ્યાં હતાં, જેનાથી બધાને ખોરાક પૂરો પડતો હતો, જેની નીચે ખેતરનાં પશુઓ આશ્રય પામતાં હતાં, જેની ડાળીઓમાં આકાશના પક્ષીઓ વાસ કરતાં હતાં, 22 હે રાજા, તે વૃક્ષ તમે છો, તમે વધીને ઘણા બળવાન થયા છો. તમારી મહાનતા વધીને આકાશ સુધી પહોંચી છે, તમારી સત્તા પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. 23 હે રાજા, તમે પવિત્ર દૂતને આકાશમાંથી નીચે ઊતરતો જોયો અને કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપીને તેનો નાશ કરો, પણ તેના મૂળની જડને લોખંડ તથા પિત્તળથી બાંધીને ખેતરના કુમળા ઘાસમાં રહેવા દો. સાત વર્ષ પસાર થાય ત્યાં સુધી તેને આકાશમાંથી પડતા ઝાકળથી પલળવા દો. તેને ખેતરના જંગલી પશુઓ સાથે રહેવા દો.’” 24 હે રાજા, તેનો અર્થ આ છે: મારા સ્વામી રાજાની પાસે જે આવ્યું છે તે તો પરાત્પર ઈશ્વરનો હુકમ છે. 25 તમને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તમે ખેતરનાં જંગલી પશુઓ સાથે રહેશો. તમને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, આકાશમાંથી વરસતા ઝાકળથી તમે પલળશો. પરાત્પર ઈશ્વર મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને જેને ચાહે તેને તે સોંપે છે તે જાણ થતાં સુધી સાત વર્ષ પસાર થશે. 26 જેમ વૃક્ષના મૂળની જડને જમીનમાં રહેવા દેવાની આજ્ઞા કરી તેમ, તે પરથી આકાશનો અધિકાર ચાલે છે તે આપ જાણશો પછી તમને તમારું રાજ્ય પાછું મળશે. 27 માટે, રાજા, મારી સલાહ તમારી આગળ માન્ય થાઓ. પાપ છોડો અને જે સત્ય છે તે કરો. ગરીબો પર દયા દર્શાવીને તમારા અન્યાયથી પાછા ફરો, જેથી તમારી જાહોજલાલી લાંબા કાળ સુધી ટકે.” 28 આ બધું નબૂખાદનેસ્સાર રાજા સાથે બન્યું. 29 બાર મહિના પછી તે બાબિલના રાજમહેલની અગાશીમાં ફરતો હતો. 30 રાજા બોલ્યો કે, “આ મહાન બાબિલ જે મેં મારા રાજ્યગૃહને માટે તથા મારા ગૌરવ તથા મહિમા વધારવા માટે બાંધ્યું નથી?” 31 હજી તો રાજા આ કહેતો હતો, ત્યાં તો આકાશમાંથી અવાજ આવ્યો “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ હુકમ છે કે આ રાજ્ય હવે તારી પાસે રહ્યું નથી. 32 તને માણસોમાંથી નસાડી મૂકવામાં આવશે, તારે ખેતરનાં પશુઓ સાથે રહેવું પડશે. તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે. સાત વર્ષ પસાર થતાં સુધી તું સમજશે કે પરાત્પર ઈશ્વર લોકોના રાજ્ય ઉપર રાજ કરે છે અને જેને ચાહે તેને તે આપે છે.” 33 તે જ સમયે આ વચન નબૂખાદનેસ્સારના બાબતમાં ફળીભૂત થયું. તેને લોકોમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેણે બળદની જેમ ઘાસ ખાધું, તેનું શરીર આકાશના ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરુડના પીંછા જેવા લાંબા થઈ ગયા, તેના નખ પક્ષીઓના પંજા જેવા થઈ ગયા. નબૂખાદનેસ્સાર ઈશ્વરસ્તુતિ કરે છે 34 તે દિવસોને અંતે મેં નબૂખાદનેસ્સારે, મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, મારી સમજશકિત મને પાછી આપવામાં આવી. મેં પરાત્પર ઈશ્વરની સ્તુતિ કરી. જે સદાકાળ જીવે છે તેમની સ્તુતિ કરી અને તેમને માન આપ્યું. કેમ કે તેમનું રાજ અનંતકાળનું છે, તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે. 35 પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કશી વિસાતમાં નથી. આકાશના સૈન્યમાં તથા પૃથ્વી પરના રહેવાસીઓમાં, તે પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે. તેમને કોઈ રોકી શકતું નથી કે કોઈ પડકાર આપી શકતું નથી. તેમને કોઈ કશું કહી શકતું નથી કે, ‘તમે આ શા માટે કર્યું?” 36 તેજ સમયે મારી બુદ્ધિ મારી પાસે પાછી આવી, મારા રાજ્યના પ્રતાપને કારણે મારું ગૌરવ તથા મારો વૈભવ મારી પાસે પાછાં આવ્યાં. મારા સલાહકારો અને મારા અમીર ઉમરાવોએ મારા પક્ષમાં પોકાર કર્યો. મને મારા સિંહાસન પર પાછો બેસાડવામાં આવ્યો અને મને ઘણું માહાત્મ્ય મળ્યું. 37 હવે હું, નબૂખાદનેસ્સાર, આકાશના રાજાની સ્તુતિ કરું છું, તેમની પ્રશંસા કરું છું, તેમનું સન્માન કરું છું, કેમ કે, તેમના બધાં કાર્યો સાચાં છે, તેમના માર્ગો ન્યાયી છે. જેઓ પોતાના ઘમંડમાં ચાલે છે તેઓને તે નીચા પાડે છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.