Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


સ્તેફનનું ભાષણ

1 ત્યારે પ્રમુખ યાજકે પૂછ્યું કે, “શું હકીકત આ પ્રમાણે છે?”

2 સ્તેફને કહ્યું કે, “ભાઈઓ તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન આપીને

3 કહ્યું કે, ‘તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે’.

4 ત્યારે ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈને વસ્યો, અને ત્યાં તેના પિતા અવસાન પામ્યા ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો.

5 તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેમણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું.

6 ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાંના લોકો ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.

7 વળી ઈશ્વરે કહ્યું કે, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’

8 પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી ઇબ્રાહિમથી ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.

9 પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં લઈ જવા સારુ વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,

10 તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.

11 પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.

12 પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.

13 પછી બીજી વાર યૂસફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યુસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.

14 ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પંચોતેર માણસને પોતાની પાસે તેડાવ્યાં.

15 યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા.

16 તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, ને જે કબરસ્તાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યાં.

17 પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં આપણાં લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.

18 એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.

19 તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે, તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.

20 તે અરસામાં મૂસાનો જન્મ થયો, તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું;

21 પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો અને પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.

22 મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતો.

23 પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.

24 તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.

25 ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એમ મારા ભાઈઓ સમજતા હશે, એવું તેણે ધાર્યું; પણ તેઓ સમજ્યા નહિ.

26 તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?’

27 પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, ‘અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?

28 પેલા મિસરીને તેં ગઈકાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઇચ્છે છે?’

29 મૂસા આ વાત સાંભળીને નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો, ત્યાં તેને બે દીકરા થયા.

30 ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.

31 મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે,

32 ‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું.’ ત્યારે મૂસા ધ્રૂજી ઊઠ્યો અને તેને જોવાની તેની જીગર ચાલી નહિ.

33 પ્રભુએ તેને કહ્યું કે, ‘તું તારા પગમાંથી ચંપલ ઉતાર; કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.

34 મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’

35 જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?’ તેને જે સ્વર્ગદૂત તેને ઝાડવાં મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારુ મોકલ્યો.

36 મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.

37 જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભા કરશે,’ તે એ જ છે.

38 જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં;

39 આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;

40 તેઓએ હારુનને કહ્યું કે, ‘અમારી આગળ ચાલવા સારુ અમારે માટે દેવો બનાવ; કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.’

41 તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું, અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા.

42 પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધાં, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે; પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે, ‘ઓ ઇઝરાયલના વંશજો, અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી શું તમે યજ્ઞ તથા બલિદાનો મને ચઢાવ્યાં હતાં?

43 તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ.’

44 જેમણે મૂસાને કહ્યું કે, જે નમૂનો તેં નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્યમંડપ હતો.

45 આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ સાક્ષ્યમંડપને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે સાક્ષ્યમંડપ દાઉદના સમય સુધી રહ્યો.

46 દાઉદ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ થઈ; તેમણે યાકૂબના ઈશ્વરને સારુ ઘર બનાવવાની રજા માગી.

47 પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.

48 તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,

49 ‘સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

50 શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?’

51 ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.

52 પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.

53 તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”


સ્તેફનને પથ્થરે માર્યો

54 આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.

55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.

56 તેણે કહ્યું કે, “જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.”

57 પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેઓ એકસાથે તેના પર ધસી આવ્યા.

58 તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને માર્યો; સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ પોતાનાં વસ્ત્રો મૂક્યાં હતાં.

59 તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”

60 તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો.”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan