Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


માલ્ટા ટાપુમાં

1 આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું.

2 ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.

3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો.

4 ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.

5 પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ.

6 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.

7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી.

8 તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.

9 આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા.

10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.


માલ્ટાથી રોમ.

11 ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા.

12 અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.

13 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.

14 ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.

15 રોમમાંના (વિશ્વાસી) ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.


રોમમાં

16 અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.

17 ત્રણ દિવસ પછી એમ થયું કે, (પાઉલે) યહૂદીઓના મુખ્ય (આગેવાનોને) બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.

18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું.

19 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું.

20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.

21 ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ (અમારા) ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી.

22 પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ.

23 તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી.

24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ.

25 તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે;

26 તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ.

27 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું.

28 તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’”

29 (પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.)

30 (પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.

31 તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan