પ્રે.કૃ. 2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પવિત્ર આત્માનું ઊતરવું 1 પચાસમાનો દિવસ આવ્યો, તે સમયે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2 ત્યારે સ્વર્ગમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ઊઠયું. 3 અગ્નિના જેવી છૂટી પડતી જીભો તેઓને દેખાઈ, અને તેઓમાંના દરેક ઉપર બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. 5 હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6 તે અવાજ સંભળાયો ત્યારે ઘણાં લોકો ભેગા થયા, અને ચકિત થઈ ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યાં. 7 તેઓ સઘળા વિસ્મિત થયા અને નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા કે, જુઓ, શું આ તમામ બોલનારા ગાલીલના નથી? 8 તો કેમ તેઓને આપણે આપણી માતૃભાષામાં બોલતાં સાંભળીએ છીએ? 9 પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10 ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ, 11 ક્રીતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં પરાક્રમી કામો વિષે બોલતાં સાંભળીએ છીએ. 12 તેઓ સર્વ વિસ્મિત થયા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા કે, “આ શું હશે?” 13 પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધો છે.” પિતરનો સંદેશ 14 ત્યારે પિતરે અગિયારની સાથે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું કે, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ જાણી લો અને મારી વાતોને કાન દો.” 15 આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે હજી તો સવારના નવ થયા છે. 16 પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે, 17 ઈશ્વર કહે છે કે, “છેલ્લાં દિવસોમાં એમ થશે કે, હું મારો પવિત્ર આત્મા સર્વ માણસો પર રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે; 18 વળી તે સમયોમાં હું મારા સેવકો પર તથા મારી સેવિકાઓ પર મારો આત્મા રેડી દઈશ; અને તેઓ પ્રબોધ કરશે; 19 વળી હું ઉપર આકાશમાં આશ્ચર્યકર્મો તથા નીચે પૃથ્વી પર ચમત્કારિક ચિહ્નો બતાવીશ; લોહી, અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા; 20 પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે; 21 તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.” 22 ઓ ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો. ઈસુ નાઝારી, જેમની મારફતે પ્રભુએ તમારામાં જે પરાક્રમી કામો, આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે ઈશ્વરને પસંદ પડેલા માણસ તરીકે તમારી આગળ સાબિત થયા તે છતાં, 23 ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરાયા, તેમને પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નખાયા. 24 ઈશ્વરે તેમને મરણની વેદનાથી અલિપ્ત રાખી ઉઠાડ્યાં; કેમ કે તેઓ મૃત્યુના બંધનમાં રહે તે અસંભવ હતું. 25 કેમ કે દાઉદ તેમના વિષે કહે છે કે, મેં પોતાની સંમુખ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ. 26 એથી મારું હૃદય મગ્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો મનુષ્યદેહ પણ આશામાં રહેશે; 27 કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. 28 તમે મને જીવનના માર્ગ જણાવ્યાં છે; તમારા મુખના દર્શનથી તમે મને આનંદથી ભરપૂર કરશો. 29 ભાઈઓ, આપણા પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દફનાવાયો પણ છે, અને તેની કબર આજ સુધી અહીં આપણે ત્યાં છે. 30 તે પ્રબોધક હતો, અને જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને તેને કહ્યું છે કે, તારા સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ; 31 એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તનાં પુનરુત્થાન વિષે કહ્યું કે, તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહને સડી જવા દીધો નહીં. 32 એ ઈસુને ઈશ્વરે સજીવન કર્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ. 33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને આશાવચન અનુસાર ઈશ્વરપિતા પાસેથી પવિત્ર આત્મા પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તેમ તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યાં છે. 34 કેમ કે દાઉદ તો સ્વર્ગમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે, 35 પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં લગી તું મારે જમણે હાથે બેસ. 36 એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે. 37 હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું કે, ભાઈઓ, અમે શું કરીએ? 38 ત્યારે પિતરે તેઓને કહ્યું કે, પસ્તાવો કરો, અને તમારાં પાપોની માફીને માટે ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના પ્રત્યેક બાપ્તિસ્મા પામો, અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે. 39 કેમ કે તે આશાવચન તમારે સારુ તથા તમારાં છોકરાંને તથા જેઓ દૂર છે તેઓને સારુ છે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તે સર્વને સારુ છે. 40 પિતરે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી તથા બોધ કર્યો કે, તમે આ જમાનાનાં દુષ્ટ લોકથી બચી જાઓ. 41 ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. અને તે જ દિવસે ત્રણેક હજાર માણસો ઉમેરાયાં. 42 તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં પ્રભુ ભોજન લેવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યાં. વિશ્વાસ કરનારાઓનું જીવન 43 દરેકે આદરયુક્ત ભીતિ અનુભવી; અને પ્રેરિતોથી ઘણાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો થયા. 44 તમામ વિશ્વાસીઓ એકઠા રહેતા હતા અને તેઓની બધી મિલકત સહિયારી હતી. 45 તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. 46 તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘરેઘરે રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. 47 તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. અને પ્રભુ રોજરોજ ઉદ્ધાર પામનારાઓને તેઓની સંગતમાં ઉમેરતા હતા. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.