૨ શમુએલ 23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019દાઉદનાં આખરી વચનો 1 હવે દાઉદના અંતિમ વચનો આ છે. યિશાઈનો દીકરો દાઉદ, જે અતિ ઘણો સન્માનનીય માણસ હતો, તે યાકૂબના ઈશ્વરથી અભિષિક્ત થયેલો અને ઇઝરાયલનાં મધુર ગીતોનો સર્જક છે; તે કહે છે. 2 ઈશ્વરના આત્માએ મારા દ્વારા વાણી ઉચ્ચારી, તેમનું વચન મારી જીભ પર હતું. 3 ઇઝરાયલના ઈશ્વર બોલ્યા, ઇઝરાયલના ખડકે મને કહ્યું, ‘મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે, 4 સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો, સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે. 5 નિશ્ચે, શું મારું કુટુંબ ઈશ્વર પ્રત્યે એવું નથી? શું તેમણે મારી સાથે સદાનો કરાર કર્યો નથી? શું તે સર્વ પ્રકારે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે? તેમણે મારો ઉદ્ધાર કર્યો છે. અને મારી દરેક ઇચ્છાને પરિપૂર્ણ કરી છે. તેઓ એવા મહાન છે. 6 પરંતુ તમામ દુષ્ટ લોકો ફેંકી દેવામાં આવનાર કચરા અને કાંટા જેવા થશે, કેમ કે તેઓ હાથ વડે તો તેઓને સ્પર્શ કરાય કે પકડાય નહિ. 7 પણ જે માણસ તેઓને અડકે તેની પાસે લોખંડનો દંડ તથા ભાલાનો હાથો હોવો જોઈએ, તેઓ જ્યાં હશે ત્યાંજ અગ્નિથી બાળી નાખવામાં આવશે. દાઉદના પ્રખ્યાત શૂરવીરો 1 કાળ. 11:10-41 8 દાઉદના મુખ્ય સૈનિકોનાં નામ આ છે: મુખ્ય સરદાર તાહખમોની યોશેબ-બાશ્શેબેથ. અસ્ની અદીનોના નામે પણ ઓળખાતો હતો. એક વેળા એક જંગમાં તેણે એક સાથે આઠસો માણસોને મારી નાખ્યા હતા. 9 તેની પછી અહોહીનો પૌત્ર અને દોદોનો દીકરો એલાઝાર હતો, જયારે પલિસ્તીઓ યુદ્ધને સારુ એકત્ર થયા અને ઇઝરાયલના માણસોએ પીછે હઠ કરી ત્યારે દાઉદની સાથેના જે ત્રણ શૂરવીરોએ પલિસ્તી સૈન્યને અટકાવ્યું હતું. તેઓમાંનો તે એક હતો. 10 એલાઝારે પલિસ્તીઓ સાથે લાદવામાં એટલી બધી તલવાર ચલાવી કે તેનો હાથ તલવાર પકડી ના શકે એટલો બધો થાકી ગયો. ત્યાં સુધી તે પલિસ્તીઓ સામે લડ્યો. અને તેનો હાથ થાકી જઈને તલવારની પકડથી અક્કડ થઈ ગયો ત્યાં સુધી તે પલિસ્તીઓની સામે લડ્યો. અને તેણે તેઓને માર્યા. ઈશ્વરે તે દિવસે મોટો વિજય અપાવ્યો. એલાઝારે પલિસ્તીઓને હરાવ્યા પછી સૈન્ય તેની પાછળ ફક્ત લૂંટ ચલાવવા માટે ગયું. 11 તેના પછી ત્રીજા ક્રમે આગીનો દીકરો હારારનો શામ્મા હતો. પલિસ્તીઓ એક વખતે લેહી પાસે મસૂરના ખેતરમાં ભેગા થયા હતા તેઓનાથી બીને ઇઝરાયલનું સૈન્ય તેમની સામેથી નાસી ગયું. 12 પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો. 13 ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી. 14 જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું. 15 દાઉદે તરસથી તલપતાં કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી પીવાની મને તીવ્ર ઇચ્છા થઈ છે. 16 તે ત્રણ યોદ્ધાઓ પલિસ્તીઓના સૈન્યમાં થઈને પસાર થયા અને બેથલેહેમના દરવાજા પાસેના કૂવામાંથી પાણી ભર્યું. તેઓ તે પાણી લઈને દાઉદ પાસે આવ્યા ત્યારે દાઉદે તે પાણી પીવાની ના પાડી. અને તે પાણી ઈશ્વર આગળ રેડી દીધું. 17 પછી તેણે કહ્યું, હે ઈશ્વર, જે માણસોએ પોતાના જીવ જોખમમાં નાખ્યા તેઓનું લોહી શા માટે પીઉં?” માટે તેણે તે પીવાની ના પાડી. અને કહ્યું હે ઈશ્વર, આ પાણી પીવાથી મને દૂર રાખો. આ સાહસ એ ત્રણ શૂરવીરોએ કર્યા હતાં. 18 સરુયાનો દીકરો યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તે તેના ભાલાથી ત્રણસો માણસો સામે લડ્યો અને તેઓને મારી નાખ્યા. તે ત્રણેમાં તેનો ઉલ્લેખ હતો. 19 શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો. 20 બનાયા, કાબ્સએલના શૂરવીર તથા પરાક્રમી કૃત્યો કરનાર યહોયાદાનો દીકરો હતો. તેણે મોઆબના અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી હિમ પડવાના દિવસો હતા ત્યારે એક દિવસે તેણે ખાડામાં ઊતરીને સિંહને મારી નાખ્યો હતો. 21 બનાયાએ એક દેખાવડા મિસરી માણસને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા તેની સામે ફક્ત લાકડીથી લડ્યો. તે મિસરીના હાથમાંથી બનાયાએ ભાલો ખૂંચવી લીધો અને તેના જ ભાલાથી તેને ખતમ કર્યો હતો. 22 આ પરાક્રમી કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કર્યા તેથી ત્રણ શૂરવીર યોદ્ધાઓના નામમાં તેના નામનો પણ સમાવેશ કરાયો. 23 પેલા ત્રીસ સૈનિકો કરતાં તે વધારે નામાંકિત હતો, પણ તે પહેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાની અંગરક્ષક ટુકડી ઉપર આગેવાન તરીકે નીમ્યો હતો. 24 યોઆબનો ભાઈ અસાહેલ તે પેલા ત્રીસમાંનો એક હતો અને દોદો બેથલેહેમીનો દીકરો એલ્હાનાન, 25 શામ્મા હરોદી, અલીકા હરોદી, 26 હેલેસ પાલ્ટી, ઇક્કેશ તકોઈનો દીકરો ઈરા, 27 અબીએઝેર અનાથોથી, મબુન્નાય હુશાથી, 28 સાલ્મોન અહોહી, મહારાય નટોફાથી. 29 બાનાહ નટોફાથીનો દીકરો હેલેબ, બિન્યામીનના વંશજોમાંના ગિબયાના રિબાયનો દીકરો ઇત્તાય, 30 બનાયા પિરઆથોની, ગાઆશના નાળાંનો હિદ્દાય. 31 અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી, 32 એલ્યાહબા શાઆલ્બોની, યાશેનના દીકરાઓમાંનો યોનાથાન. 33 શામ્મા હારારી, શારાર અરારીનો દીકરો અહીઆમ, 34 માખાથીના દીકરા અહાસ્બાયનો દીકરો અલીફેલેટ, અહિથોફેલ ગીલોનીનો દીકરો અલીઆમ, 35 હેસ્રો કાર્મેલી, પારાય આર્બી, 36 સોબાહના નાથાનનો દીકરો ઈગાલ, ગાદના કુળમાંનો બાની. 37 સેલેક આમ્મોની, નાહરાય બેરોથી, સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો, 38 ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી, 39 ઉરિયા હિત્તી એમ બધા મળીને સાડત્રીસ. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.