૨ શમુએલ 18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019આબ્શાલોમની હાર અને તેનું મૃત્યુ 1 દાઉદે તેના સૈનિકો જે તેની સાથે હતા તેઓની ગણતરી કરી અને તેણે સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા. 2 દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ સરુયાના દીકરા અબિશાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું “હું જાતે તમારી સાથે આવીશ.” 3 પણ સૈનિકોએ કહ્યું, “તમારે યુદ્ધમાં આવવું નહિ, કેમ કે જો અમે નાસી જઈશું તોપણ તેઓ અમારી પરવા કરશે નહિ, જો અમારામાંથી અડધા લોકો મરી જાય તોપણ માણસોને અમારી દરકાર રહેશે. પણ તમે અમારા માટે દસ હજાર માણસોની ગરજ સારે એવા છો. એ માટે તમે અહીં નગરમાં રહીને અમને મદદ કરવા તૈયાર રહો એ વધારે સારું છે” 4 તેથી રાજાએ તેઓને કહ્યું, “તમને જેમ સારું લાગે તેમ હું કરીશ.” ત્યારે સૈન્ય સો અને હજારની ટુકડીમાં બહાર ગયું પછી રાજા નગરના દરવાજા પાસે ઊભો રહ્યો. 5 રાજાએ યોઆબ, અબિશાય અને ઇત્તાયને આજ્ઞા કરી, “મારી ખાતર તમે જુવાન આબ્શાલોમ સાથે શાંતિપૂર્વક બોલજો.” આબ્શાલોમ વિષે રાજાએ સેનાપતિને જે આજ્ઞા આપી તે સર્વ લોકોએ સાંભળી. 6 આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું. 7 દાઉદના સૈનિકો આગળ ઇઝરાયલના સૈન્યની હાર થઈ. તે દિવસે યુદ્ધમાં વીસ હજાર માણસોએ પોતાના જીવ ગુમાવ્યા. 8 દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા. 9 યુદ્ધના સમયે એવું બન્યું કે આબ્શાલોમની દાઉદના કેટલાક સૈનિકો સાથે મુલાકાત થઈ. આબ્શાલોમ ખચ્ચર પર સવારી કરીને જતો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે આવ્યું. તેની ગરદન એલોનવૃક્ષની ડાળીઓમાં ભરાઈ ગઈ. તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું. 10 એક માણસે તે જોયું અને તેણે જઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એલોન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો.” 11 આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, “તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત.” 12 પેલા માણસે યોઆબને કહ્યું, “જો તું મને ચાંદીના હજાર સિક્કા આપો તોપણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહિ કેમ કે, રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને જે હુકમ કર્યો હતો તે અમે સાંભળ્યો હતો કે ‘જુવાન આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.’ 13 એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે આબ્શાલોમને મારી નાખ્યો હોત, તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહિ તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત. અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત.” 14 પછી યોઆબે કહ્યું, “હું તારી રાહ જોઈશ નહિ. “તેથી યોઆબે ત્રણ ભાલા હાથમાં લઈને આબ્શાલોમ જે હજુ સુધી વૃક્ષ પર જીવતો લટકેલો હતો, તેના હૃદયમાં ભોંકી દીધાં. 15 પછી યોઆબના દસ જુવાન માણસ શસ્ત્રવાહકોએ આબ્શાલોમને ચારેબાજુથી ઘેરી લઈને તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો. 16 પછી યોઆબે રણશિંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું. કેમ કે યોઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું. 17 યોઆબના માણસોએ આબ્શાલોમને લઈને જંગલમાં એક મોટા ખાડામાં ફેંકી દીધો; તેઓએ આબ્શાલોમના મૃતદેહને મોટા પથ્થરના ઢગલા નીચે દફ્નાવ્યો, પછી બધા ઇઝરાયલીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. 18 આબ્શાલોમે, જયારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે, “મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી.” તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ આબ્શાલોમ રાખ્યું હતું, આજે પણ તે આબ્શાલોમના સ્મૃર્તિસ્તંભ તરીકે ઓળખાય છે. દાઉદને આબ્શાલોમના મૃત્યુની જાણ કરવામાં આવી 19 ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, “હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે.” 20 યોઆબે તેને જવાબ આપ્યો, “આજે તું ખબર લઈને જઈશ નહિ; પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહિ કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે.” 21 પછી યોઆબે કૂશીને કહ્યું, “તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે.” કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો. 22 પછી સાદોકના દીકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, કંઈપણ થાય પણ, કૃપા કરીને મને પણ કૂશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે.” યોઆબે જવાબ આપ્યો, “મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી?” 23 અહિમાઆસે કહ્યું, “ગમે તે થાય,” હું તો જવાનો જ. “તેથી યોઆબે તેને ઉત્તર આપ્યો, “ઠીક તો જા.” પછી અહિમાઆસ મેદાનના રસ્તે દોડ્યો અને કૂશીની આગળ નીકળી ગયો. 24 હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે. 25 ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, “જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે.” તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો. 26 પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, “જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે.” એટલે રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લઈને આવતો હશે.” 27 ચોકીદારે કહ્યું, “મને લાગે છે કે, પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાઆસની જેવી લાગે છે.” રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે.” 28 અહિમાઆસે બૂમ પાડીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે. 29 તેથી રાજાએ જવાબ આપ્યો, “જુવાન આબ્શાલોમ ઠીક તો છે ને?” અહિમાઆસે જવાબ આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, તારી પાસે મોકલ્યો, ત્યારે મારા જોવામાં ઘણી મોટી ધાંધલધમાલ આવી હતી. પણ તે શું હતું તેની મને ખબર નથી.” 30 પછી રાજાએ કહ્યું, “એક બાજુ ફરીને અહીં ઊભો રહે.” તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો. 31 પછી તરત જ કૂશીએ આવીને કહ્યું, “મારા માલિક રાજા તારા માટે એક સારા સમાચાર છે, કેમ કે જેઓ તારી સામે ઊઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે.” 32 પછી રાજાએ કૂશીને કહ્યું, “શું જુવાન આબ્શાલોમ તો ઠીક છે ને?” કૂશીએ જવાબ આપ્યો, “મારા માલિક, જે રાજાના શત્રુઓ, તને નુકસાન પહોંચાડવા તારી સામે ઊઠે છે તેમના હાલ તે જુવાન માણસ આબ્શાલોમના જેવા છે.” 33 પછી રાજાને ઘણો જ આઘાત લાગ્યો, તે નગરના દરવાજા પરથી ચઢીને ઓરડીમાં ગયો અને રડવા લાગ્યો. જયારે તે અંદર ગયો ત્યારે ઉદાસ થઈને બોલ્યો, “મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ તારા બદલે જો હું મરણ પામ્યો હોત તો કેવું સારું, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.