Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


યેહૂનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક

1 એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો. અને તેને કહ્યું, “તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આ શીશી લે. અને રામોથ ગિલ્યાદ જા.”

2 તું ત્યાં જઈને નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂને શોધી કાઢજે. ઘરમાં જઈને તેને તેના ભાઈઓ મધ્યેથી ઉઠાડીને અંદરની ઓરડીમાં લઈ જજે.

3 પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે. અને કહેજે કે, “યહોવાહ એવું કહે છે કે, મેં તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે; વિલંબ કરીશ નહિ.”

4 તેથી તે જુવાન, એટલે જુવાન પ્રબોધક રામોથ ગિલ્યાદ ગયો.

5 જ્યારે તે ત્યાં આવ્યો, ત્યારે, સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાન પ્રબોધકે કહ્યું, “હે સરદાર, હું તમારે માટે સંદેશ લાવ્યો છું.” યેહૂએ પૂછ્યું, “અમારા બધામાંથી કોને માટે?” જુવાન પ્રબોધકે કહ્યું, “હે સરદાર, તારા માટે.”

6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ એવું કહે છે, ‘મેં તને યહોવાહના લોકો એટલે ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.

7 તું તારા માલિક આહાબના કુટુંબનાંને મારશે કે, જેથી હું મારા સેવક પ્રબોધકોના રક્તનો બદલો અને યહોવાહના બધા સેવકોના રક્તનો બદલો ઇઝબેલ પર વાળું.

8 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે, આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમ જ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ.

9 આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક અને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ.

10 ઇઝબેલને યિઝ્રએલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહિ.’ પછી તે બારણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો.

11 ત્યાર પછી યેહૂ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો, એકે તેને પૂછ્યું, “બધું ક્ષેમકુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો?” યેહૂએ તેઓને જવાબ આપ્યો, “તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો?”

12 તેઓએ કહ્યું, “ના, અમે નથી જાણતા. તું અમને કહે.” ત્યારે યેહૂએ કહ્યું, “તેણે મને આમ કહ્યું, તેણે એ પણ કહ્યું, યહોવાહ એમ કહે છે: મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’

13 ત્યારે તે દરેકે તરત જ પોતાનાં વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે મૂક્યાં. તેઓએ રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.”


ઇઝરાયલના યોરામ રાજાની હત્યા

14 આ રીતે નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂએ યોરામ સામે બળવો કર્યો. હવે યોરામ અને સર્વ ઇઝરાયલ અરામના રાજા હઝાએલના કારણથી રામોથ ગિલ્યાદનો બચાવ કરતા હતા.

15 પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાએલ સામે યુદ્ધ કરતો હતો, ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે યિઝ્રએલ પાછો આવ્યો હતો. યેહૂએ યોરામના ચાકરોને કહ્યું, “જો તમારું મન એવું હોય, તો યિઝ્રએલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહિ.”

16 માટે યેહૂ પોતાના રથમાં બેસીને યિઝ્રએલ જવા નીકળ્યો, કેમ કે, યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહૂદિયાનો રાજા અહાઝયાહ યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો.

17 યિઝ્રએલના બુરજ પર ચોકીદાર ઊભો હતો, તેણે ઘણે દૂરથી યેહૂની ટોળીને આવતી જોઈને કહ્યું, “હું માણસોના ટોળાને આવતું જોઉં છું.” યોરામે કહ્યું, “એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ. અને તે પૂછે છે કે, ‘શું તમને સલાહશાંતિ છે?’”

18 તેથી ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા એમ પૂછે છે કે: ‘શું તમને સલાહશાંતિ છે?’” માટે યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે, “સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી.”

19 “પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, “રાજા એમ પુછાવે છે કે: ‘શું સલાહ શાંતિ છે?’” યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ.”

20 ફરીથી ચોકીદારે ખબર આપી, “તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પધ્ધતિ તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી લાગે છે, કેમ કે, તે ઝડપી સવારી કરી રહ્યો છે.”

21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝયાહ પોતપોતાના રથમાં યેહૂને મળવા ગયા. તે તેઓને નાબોથ યિઝ્રએલીની ખડકી આગળ મળ્યો.

22 યોરામે યેહૂને જોતાં જ કહ્યું, “યેહૂ શું સલાહ શાંતિ છે?” તેણે કહ્યું, “જ્યાં સુધી તારી માતા ઇઝબેલ વ્યભિચાર તથા તંત્રમંત્ર કર્યા કરતી હોય ત્યાં સુધી શાની શાંતિ હોય?”

23 તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝયાહને કહ્યું, “વિશ્વાસઘાત છે, અહાઝયાહ.”

24 પછી યેહૂએ પોતાના પૂરેપૂરા બળથી ધનુષ્ય ખેંચીને યોરામના ખભા વચ્ચે તીર માર્યું; એ તીર તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.

25 પછી યેહૂએ પોતાના સરદાર બિદકારને કહ્યું, “તેને ઉઠાવીને નાબોથ યિઝ્રએલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બન્ને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાહે તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર.

26 યહોવાહ કહે છે, ‘ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે.’ યહોવાહ કહે છે કે, ‘આ જ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ.’ હવે ચાલો, યહોવાહના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો.”


યહૂદિયાનો રાજા અહાઝયાહ મરાયો

27 યહૂદિયાનો રાજા અહાઝયાહ આ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસી ગયો. પણ યેહૂએ તેની પાછળ પડીને તેને કહ્યું, “તેને પણ રથમાં મારી નાખો.” તેઓએ તેને યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝયાહ મગિદ્દોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો.

28 તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો.

29 આહાબના દીકરા યોરામના શાસનકાળના અગિયારમા વર્ષે અહાઝયાહ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.


રાણી ઇઝબેલની હત્યા

30 યેહૂ યિઝ્રએલ આવ્યો, ઇઝબેલ એ સાંભળ્યું, ત્યારે તેણે પોતાની આંખોમાં કાજળ લગાવ્યું તથા માથું ઓળીને બારીમાંથી નજર કરી.

31 જેવો યેહૂ દરવાજામાં પ્રવેશ્યો કે ઇઝબેલે તેને કહ્યું, “હે પોતાના માલિકનું ખૂન કરનાર, ઝિમ્રી તું શાંતિમાં આવ્યો છે?”

32 યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, “મારા પક્ષમાં કોણ છે? કોણ?” ત્યારે બે ત્રણ ખોજાઓએ બહાર જોયું.

33 યેહૂએ કહ્યું, “તેને નીચે ફેંકી દો.” તેથી તેઓએ ઇઝબેલને નીચે ફેંકી દીધી, તેના રક્તના છાંટા દીવાલ પર તથા ઘોડાઓ પર પડ્યા. અને યેહૂએ તેને પગ નીચે કચડી નાખી.

34 પછી યેહૂએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, “હવે આ શાપિત સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે.”

35 તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ.

36 માટે તેઓએ પાછા આવીને યેહૂને ખબર આપી. તેણે કહ્યું, “યહોવાહે પોતાના સેવક તિશ્બી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે, ‘યિઝ્રએલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે,

37 અને ઇઝબેલનો મૃતદેહ યિઝ્રએલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે. જેથી કોઈ એવું નહિ કહે કે, “આ ઇઝબેલ છે.”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan