૨ રાજા 5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019સેનાપતિ નામાન શુદ્ધ બન્યો 1 અરામના રાજાનો સેનાપતિ નામાન તેના માલિકની આગળ મોટો અને આદરણીય માણસ હતો. કારણ કે, યહોવાહે તેની મારફતે અરામને વિજય અપાવ્યો હતો. તે બળવાન, હિંમતવાન માણસ હતો. પણ તેને કુષ્ઠ રોગની બીમારી હતી. 2 અરામીઓનું સૈન્ય ઇઝરાયલમાં થઈને પાછું ફરતું હતું ત્યારે તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા. નામાને પોતાની પત્નીની દાસી તરીકે રાખી હતી. 3 તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા માલિક સમરુનમાં એક પ્રબોધક પાસે જાય તો કેવું સારું! ત્યારે તેઓ તેમનો રોગ મટાડી શકે તેમ છે.” 4 નામાને ઇઝરાયલ દેશની નાની છોકરીએ જે કહ્યું હતું, તે વાત પોતાના રાજાને જણાવી. 5 તેથી અરામના રાજાએ કહ્યું, “હવે તું ઇઝરાયલ દેશમાં જા. હું ત્યાંના રાજા પર પત્ર લખી આપું છું.” આથી નામાન દસ તોલા ચાંદી, છ હજાર સોનામહોર, દસ જોડ વસ્ત્રો લઈને ત્યાંથી ઇઝરાયલમાં આવ્યો. 6 તેણે એ પત્ર ઇઝરાયલના રાજાને આપીને કહ્યું, “હવે આ પત્ર જયારે તમારી પાસે લાવ્યો છું, ત્યારે તમારે જાણવું કે મેં મારા ચાકર નામાનને તમારી પાસે મોકલ્યો છે, કે જેથી તમે તેનો કુષ્ઠ રોગ મટાડો.” 7 જયારે ઇઝરાયલના રાજાએ પત્ર વાંચ્યો, ત્યારે તેણે ગભરાઈને પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, “શું હું મારનાર કે જીવાડનાર ઈશ્વર છું કે, આ માણસ ઇચ્છે છે કે હું તેનો રોગ મટાડું? જુઓ તે કેવી રીતે મારી વિરુદ્ધ બહાનું શોધે છે?” 8 પણ જયારે ઈશ્વરભક્ત એલિશાએ સાંભળ્યું કે ઇઝરાયલના રાજાએ પોતાનાં વસ્ત્ર ફાડયાં છે, ત્યારે તેણે રાજાને સંદેશો મોકલ્યો, “તેં શા માટે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં છે? કૃપા કરીને તેને મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે અહીં ઇઝરાયલમાં પ્રબોધક છે.” 9 તેથી નામાન પોતાના ઘોડા અને રથો સાથે એલિશા પ્રબોધકના ઘરના બારણા સામે આવીને ઊભો રહ્યો. 10 એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, “તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ.” 11 પણ નામાને ગુસ્સે થઈને કહ્યું કે, “હું તો વિચારતો હતો કે, તે બહાર આવીને મારી પાસે ઊભો રહીને પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરશે. અને મારા શરીર પર પોતાનો હાથ ફેરવશે અને મારો કુષ્ઠ રોગ મટી જશે. 12 શું દમસ્કસની નદીઓ અબાના અને ફાર્પાર ઇઝરાયલનાં બીજાં જળાશયો કરતાં વધારે સારી નથી? શું હું તેઓમાં સ્નાન કરીને શુદ્ધ ના થાઉં?” આમ તે ગુસ્સામાં પાછો ચાલવા લાગ્યો. 13 ત્યારે નામાનના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું, “અમારા માલિક, જો પ્રબોધકે તને કોઈ મુશ્કેલ કામ કરવા માટે કહ્યું હોત, તો શું તે તું કરત નહિ? તો જયારે તે તને કહે છે કે, સ્નાન કરીને શુદ્ધ થા. તો વિશેષ કરીને તે કરવું જ જોઈએ?” 14 પછી નામાને જઈને ઈશ્વરભક્ત એલિશાના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં સાત વખત ડૂબકી મારી. એટલે તેનું માંસ નાના બાળકના માંસ જેવું થઈ ગયું, તે શુદ્ધ થઈ ગયો. 15 ત્યાર પછી નામાન પોતાની આખી ટુકડી સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો જઈને તેની આગળ ઊભો રહ્યો. તેણે કહ્યું, “જો, હવે મને ખાતરી થઈ કે ઇઝરાયલ સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય ઈશ્વર નથી. તો હવે કૃપા કરીને, આ તારા સેવક પાસેથી ભેંટ લે.” 16 પણ એલિશાએ કહ્યું, “જીવતા યહોવાહ કે જેમની આગળ હું ઊભો છું તેમના સમ ખાઈને કહું છું કે, હું કોઈ ભેટ લઈશ નહિ.” નામાને તેને ભેટ લેવા માટે આગ્રહ કર્યો, પણ તેણે ના પાડી. 17 માટે નામાને કહ્યું, “જો ના લો, તો કૃપા કરી તમારા ચાકરને એટલે કે મને બે ખચ્ચરના બોજા જેટલી માટી અપાવ, કેમ કે, હું હવેથી યહોવાહ સિવાય બીજા કોઈ દેવને દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવીશ નહિ. 18 પણ જ્યારે મારા રાજા મારા હાથ પર ટેકો દઈને રિમ્મોનના મંદિરમાં સેવા કરવા જાય છે, ત્યારે હું રિમ્મોનના મંદિરમાં નમું છું. કૃપા કરી તમારા ચાકરની આ બાબત યહોવાહ ક્ષમા કરો.” 19 એલિશાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી નામાન તેની પાસેથી રવાના થયો. ગેહઝીના કુટુંબમાં સદાનો કોઢ 20 પણ ઈશ્વરભક્ત એલિશાના ચાકર ગેહઝીએ કહ્યું, “જો, મારા માલિકે આ અરામી નામાન જે લાવ્યો હતો તે તેની પાસેથી લીધા વગર તેને જવા દીધો છે. જીવતા યહોવાહના સમ, હું તેની પાછળ દોડીને તેની પાસેથી કંઈક તો લઈ લઈશ.” 21 તેથી ગેહઝી નામાનની પાછળ ગયો. નામાને કોઈને તેની પાછળ દોડતો આવતો જોયો, ત્યારે તે તેને મળવા પોતાના રથ પરથી ઊતર્યો અને તેને પૂછ્યું, “બધું ક્ષેમકુશળ છે?” 22 ગેહઝીએ કહ્યું, “બધું ક્ષેમકુશળ છે. મારા માલિકે મને મોકલ્યો છે. તેણે કહ્યું કે, ‘જો, એફ્રાઇમના પહાડી પ્રદેશના પ્રબોધકોના દીકરાઓમાંથી બે જુવાનો હમણાં જ મારી પાસે આવ્યા છે. કૃપા કરી તેઓને માટે એક તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર આપ.” 23 નામાને કહ્યું, “હું તને બે તાલંત ચાંદી ખુશીથી આપું છું.” આ રીતે નામાને તેને આગ્રહ કરીને બે તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને તેના બે ચાકરોના માથે ચઢાવ્યાં, તેઓ તે ઊંચકીને ગેહઝીની આગળ ચાલવા લાગ્યા. 24 જયારે ગેહઝી, પહાડ પર પહોંચ્યો, ત્યારે તેણે ચાંદી ભરેલી થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં સંતાડી દીધી. અને નામાનના ચાકરોને પરત મોકલી દીધા. તેઓ વિદાય થયા. 25 ગેહઝી અંદર જઈને પોતાના માલિકની આગળ ઊભો રહ્યો ત્યારે એલિશાએ તેને કહ્યું, “ગેહઝી, તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “તારો ચાકર ક્યાંય ગયો નહોતો.” 26 એલિશાએ ગેહઝીને કહ્યું, “જયારે પેલો રથમાંથી ઊતરીને તને મળવા માટે આવ્યો, ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતૂનવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે? 27 માટે હવે નામાનનો કુષ્ઠ રોગ તને તથા તારા વંશજોને લાગુ પડશે અને તે કાયમ રહેશે. “તેથી ગેહઝી હિમ જેવો કુષ્ઠ રોગી થઈ ગયો. અને તેની હજૂરમાંથી જતો રહ્યો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.