Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


એલીશા ગરીબ વિધવાની વહારે

1 હવે પ્રબોધકોના દીકરાઓની પત્નીઓમાંની એક પત્નીએ આવીને એલિશાને આજીજી કરીને કહ્યું, “તમારો સેવક મારો પતિ મરણ પામ્યો છે, તમે જાણો છો કે, તમારો સેવક યહોવાહનો ભય રાખતો હતો. હવે એક લેણદાર મારા બે દીકરાઓને તેના ગુલામ બનાવવા માટે લઈ જવા આવ્યો છે.”

2 એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”

3 ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.

4 પછી તું તારા દીકરાઓ સાથે ઘરમાં અંદર જઈને બારણું બંધ કરી દે. પછી તારી પાસે જે તેલ છે તેને પેલાં વાસણોમાં રેડ. અને જે જે વાસણ ભરાતું જાય તેને એક પછી એક બાજુએ મૂકતી જા.”

5 પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ.

6 જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.

7 પછી તે સ્રીએ આવીને ઈશ્વરભક્તને આ વાત જણાવી. ઈશ્વરભક્તે કહ્યું, “તું જઈને તે તેલ વેચીને તારું દેવું ભરપાઈ કર. જે નાણાં બાકી રહે તેનાથી તું અને તારા દીકરાઓ શાંતિથી ગુજરાન ચલાવો અને જીવો.”


એલિશા અને શૂનેમની તવંગર સ્ત્રી

8 એક દિવસ એવું બન્યું કે, એલિશા શુનેમ ગયો ત્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તે સ્ત્રીએ તેને જમવા માટે આગ્રહ કર્યો. અને એમ થયું કે, એલિશા જેટલી વાર ત્યાંથી જતો, તેટલી વાર તે જમવા માટે ત્યાં રોકાતો હતો.

9 તે સ્રીએ પોતાના પતિને કહ્યું, “જુઓ, હવે મને ખાતરી થઈ છે કે જે માણસ હંમેશા આપણે ત્યાં આવીને જાય છે તે તો પવિત્ર ઈશ્વરભક્ત છે.

10 તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”

11 એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.

12 એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી.

13 એલિશાએ ચાકરને કહ્યું, “તેને પૂછ કે, ‘તેં અમારી આટલી કાળજી કરીને ચિંતા રાખી છે. અમે તારા માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજા કે સેનાપતિને તારા માટે ભલામણ કરીએ?” તે સ્રીએ કહ્યું, “હું તો મારા પોતાના લોકો વચ્ચે રહું છું.”

14 તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.”

15 એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી.

16 એલિશાએ કહ્યું, “આવતા વર્ષના નિયત સમયે તને બાળક જન્મશે.” પણ તેણે કહ્યું, “ના, મારા માલિક ઈશ્વરભક્ત, તમારી દાસીને જૂઠું કહેશો નહિ.”

17 પણ તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને એલિશાએ કહ્યું હતું તે પ્રમાણે, બીજા વર્ષે તે જ સમયે તેને દીકરો જન્મ્યો.

18 જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.

19 બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.”

20 તેથી ચાકર તે બાળકને ઊંચકીને તેની માતા પાસે લઈ ગયો. તે બાળક તેની માતાના ખોળામાં બપોર સુધી બેઠો અને પછી મરણ પામ્યો.

21 પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.

22 તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.”

23 તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.”

24 પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”

25 આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે.

26 કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.”

27 તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.”

28 પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”

29 ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.”

30 પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.

31 ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”

32 જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.

33 તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.

34 પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.

35 પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.

36 પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.”

37 પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.


ઈંદ્રવરણાંનું ઝેરી શાક

38 એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે સમયે તે દેશમાં દુકાળ હતો. અને પ્રબોધકોના દીકરાઓ તેની આગળ બેઠા હતા. ત્યારે તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું અગ્નિ પર ચઢાવીને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવ.”

39 તેઓમાંથી એક જણ ખેતરમાં શાકભાજી લેવા માટે ગયો. તેણે એક જંગલી દ્રાક્ષવેલો જોયો, તે પરથી તેણે દૂધી તોડીને પોતાના ઝભ્ભામાં ખોળો ભરીને દૂધી ભેગી કરી. તેઓએ તેને કાપીને તે રસાવાળા શાકમાં નાખી. જો કે તેઓ તે જંગલી કડવી દૂધીને ઓળખતા નહોતા.

40 પછી તેઓએ તે માણસોને ખાવા માટે શાક પીરસ્યું. પછી, જેવું તેઓએ તે ખાધું તે સાથે જ તેઓએ બૂમ પાડીને કહ્યું, “હે ઈશ્વરભક્ત, આ તપેલામાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શકયા નહિ.

41 પણ એલિશાએ કહ્યું, “તો થોડો લોટ લાવો.” તે લોટ તેણે તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે લોકોને ખાવાનું શાક પીરસો કે જેથી તેઓ ખાય.” અને હવે તપેલામાં કશું નુકસાનકારક રહ્યું ન હતું.


થોડું અન્‍ન સો જેટલાંને બસ

42 બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”

43 તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, ‘તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.’”

44 માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના વચન પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan