Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ રાજા 23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


યોશિયા મૂર્તિપૂજા દૂર કરે છે
2 કાળ. 34:3-7 , 29-33

1 પછી રાજાએ સંદેશાવાહકો મોકલીને યરુશાલેમના તથા યહૂદિયાના વડીલોને તેની પાસે એકત્ર કર્યા.

2 પછી રાજા, યરુશાલેમના રહેવાસીઓ, યહૂદિયાના બધા યાજકો, પ્રબોધકો અને નાનાથી મોટા સર્વ લોકો યહોવાહના ઘરમાં ગયા. રાજાએ યહોવાહના સભાસ્થાનમાંથી મળી આવેલા કરારના પુસ્તકનાં વચનો તેઓના સાંભળતાં વાંચ્યા.

3 પછી રાજા સ્તંભ પાસે ઊભો રહ્યો. આ પુસ્તકમાં લખેલાં વચનો અમલમાં લાવવા માટે, સંપૂર્ણ હૃદયથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાહની પાછળ ચાલવાનો, તેમની આજ્ઞાઓ, હુકમો તથા કાનૂનો પાળવાનો તેમની આગળ કરાર કર્યો. તેની સાથે બધા લોકો આ કરારમાં સંમત થયા.

4 તે પછી રાજાએ હિલ્કિયા યાજકને તથા મદદનીશ યાજકને તેમ જ દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે, બઆલ, અશેરાની મૂર્તિ તેમ જ આકાશના તારામંડળોની સેવામાં વપરાતાં બધાં વાસણો યહોવાહના સભાસ્થાનમાંથી બહાર કાઢી લાવો. અને તેઓએ તે બધાને યરુશાલેમ બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં બાળી નાખ્યાં અને તેની રાખ બેથેલ લઈ ગયા.

5 તેણે યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસના ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ પસંદ કર્યા હતા તેઓને તથા જેઓ બઆલને, સૂર્યને, ચંદ્રને, ગ્રહોને તથા આકાશના તારામંડળોને માટે ધૂપ બાળતા હતા તેઓને હઠાવી દીધા.

6 તે યહોવાહના સભાસ્થાનમાંથી અશેરાની મૂર્તિને કાઢી લાવ્યો, યરુશાલેમની બહાર કિદ્રોનની ખીણના ખેતરોમાં તેને બાળી. તેને કૂટીને ભૂકો કરીને તે રાખ સામાન્ય લોકોની કબરો પર ફેંકી દીધી.

7 તેણે યહોવાહના ઘરમાં આવેલા સજાતીય સંબંધવાળાઓનાં નિવાસસ્થાનો, જેની અંદર સ્ત્રીઓ અશેરા માટે વસ્ત્રો સીવતી હતી, તેઓને તેણે તોડી પાડ્યાં.

8 યોશિયાએ યહૂદિયાના નગરોમાંથી બધા યાજકોને બહાર કાઢી લાવીને ગેબાથી બેરશેબા સુધી જે ઉચ્ચસ્થાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો, તેઓને અશુદ્ધ કર્યાં. દરવાજા પાસેનાં જે ઉચ્ચસ્થાનો નગરના અધિકારી યહોશુઆના દરવાજાના પ્રવેશદ્વાર આગળ, એટલે નગરના દરવાજામાં પ્રવેશતાં ડાબી બાજુએ હતા, તેઓનો નાશ કર્યો.

9 તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા.

10 યોશિયાએ બેન-હિન્નોમની ખીણમાંના તોફેથને અશુદ્ધ કર્યું હતું, કે જેથી કોઈ પોતાના દીકરા કે દીકરીને મોલેખની આગળ દહનીયાપર્ણ તરીકે અગ્નિમાં અર્પણ કરે નહિ.

11 યહોવાહના સભાસ્થાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવેલી નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડાની મૂર્તિઓ યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરી હતી, તેઓને તેણે દૂર કરી. યોશિયાએ સૂર્યના રથોને બાળી નાખ્યા.

12 આહાઝના ઉપરના ઓરડાના ધાબા પર યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓનો, જે વેદીઓ મનાશ્શાએ યહોવાહના સભાસ્થાનનાં બે આંગણામાં બાંધી હતી, તેઓનો યોશિયા રાજાએ નાશ કર્યો. યોશિયાએ તેના ટુકડે ટુકડાં કરીને તેનો ભૂકો કરી કિદ્રોનની ખીણમાં નાખી દીધો.

13 જે ઉચ્ચસ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનીઓની ધિક્કારપાત્ર દેવી આશ્તારોથ માટે, મોઆબની ધિક્કારપાત્ર દેવી કમોશને માટે, આમ્મોન લોકોની ધિક્કારપાત્ર દેવી મિલ્કોમને માટે યરુશાલેમની પૂર્વ બાજુએ, વિનાશના પર્વતની દક્ષિણે બાંધેલાં હતા, તેઓને યોશિયા રાજાએ અશુદ્ધ કર્યાં.

14 યોશિયા રાજાએ સ્તંભોને તોડીને ટુકડેટુકડાં કર્યા, અશેરાની મૂર્તિઓ ભાંગી નાખીને તેની જગ્યાએ માણસોનાં હાડકાં ભર્યાં.

15 વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચસ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલાં હતાં, તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચસ્થાનની વેદીને ભાંગીને ભૂકો કર્યો, વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી.

16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.

17 પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.”

18 યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં.

19 વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.

20 તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, તેઓના પર તેણે માણસોનાં હાડકાં બાળ્યાં, પછી તે યરુશાલેમ પાછો આવ્યો.


યોશિયા પાસ્ખાપર્વ પાળે છે
2 કાળ. 35:1-19

21 રાજાએ બધા લોકોને આજ્ઞા કરી કે, કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે “તમારા ઈશ્વર યહોવાહ માટે પાસ્ખાપર્વ પાળો.”

22 ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ કયારેય આવું પાસ્ખાપર્વ ઊજવાયું નહોતું.

23 પણ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે આ પાસ્ખાપર્વ યહોવાહના માટે યરુશાલેમમાં ઊજવવામાં આવ્યું.


યોશિયાની અન્ય ધર્મસુધારણા

24 યોશિયાએ મરેલાંઓ અને આત્માઓ સાથે વાત કરનારનો નાશ કર્યો. વળી તેણે જાદુગરોને, મૂર્તિઓને, તથા યહૂદિયા અને યરુશાલેમમાં જોવામાં આવેલી બધી ધિક્કારપાત્ર વસ્તુઓને દૂર કરી, જેથી યહોવાહના સભાસ્થાનમાંથી હિલ્કિયા યાજકને મળેલા પુસ્તકમાં લખેલાં નિયમશાસ્ત્રનાં વચનોને તે અમલમાં લાવે.

25 તેના પહેલાં એવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવાહ તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.

26 તેમ છતાં જે મૂર્તિપૂજા કરીને મનાશ્શાએ યહોવાહને ગુસ્સે કર્યાં હતા તેને લીધે તેમનો ગુસ્સો યહૂદિયા વિરુદ્ધ સળગ્યો હતો, તેમનો કોપ નરમ પડ્યો નહિ.

27 યહોવાહે કહ્યું, “મેં ઇઝરાયલીઓને દૂર કર્યા છે, તેમ જ હું યહૂદિયાના લોકોને પણ મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ, આ નગર, યરુશાલેમ, જેને મેં પસંદ કર્યું છે, જે સભાસ્થાન વિષે મેં કહ્યું, ‘ત્યાં મારું નામ રહશે, તેમને હું તજી દઈશ નહિ.’”


યોશિયા રાજાનું મૃત્યુ
2 કાળ. 35:20-36:1

28 યોશિયાનાં બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

29 તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન-નકો આશ્શૂરના રાજા સામે લડવા ફ્રાત નદી સુધી ગયો. યોશિયા રાજા યુદ્ધમાં તેની સામે ગયો, નકો રાજાએ તેને જોયો, તેણે તેને મગિદ્દોમાં મારી નાખ્યો.

30 યોશિયાના ચાકરો તેના મૃતદેહને રથમાં મૂકીને મગિદ્દોથી યરુશાલેમ લાવ્યા, તેની પોતાની કબરમાં તેને દફનાવ્યો. પછી યોશિયાના દીકરા યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ નવા રાજા તરીકે અભિષિક્ત કર્યો.


યહૂદિયાના યહોઆહાઝનો રાજ્યકાળ
2 કાળ. 36:2-4

31 યહોઆહાઝ રાજ કરવા લાગ્યો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં ત્રણ મહિના સુધી રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.

32 યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું.

33 તે યરુશાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારુન નકોએ તેને હમાથ દેશમાં આવેલા રિબ્લાહમાં કેદ કર્યો. પછી નકોએ દેશ પર એકસો તાલંત ચાંદી અને એક તાલંત સોનાનો કર નાખ્યો.

34 ફારુન નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયા પછી રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને મિસર લઈ ગયો અને યહોઆહાઝ ત્યાં મરણ પામ્યો.

35 યહોયાકીમ ફારુનને સોનું અને ચાંદી ચૂકવતો. ફારુનના હુકમ પ્રમાણે નાણાં આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો. ફારુન નકોના હુકમ પ્રમાણે તે દેશના લોકો મધ્યેથી તે દરેક માણસ પાસેથી ચાંદી તથા સોનું જબરદસ્તીથી લેતો હતો.


યહૂદિયાના યહોયાકીમનો રાજ્યકાળ
2 કાળ. 36:5-8

36 યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ ઝબિદા હતું, તે રૂમાહના પેદાયાની દીકરી હતી.

37 યહોયાકીમે પોતાના પિતૃઓએ જે બધું કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan