2 કરિંથીઓ 12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019પાઉલના સંદર્શનો અને પ્રકટીકરણ 1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. 2 ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો. 3 એવા માણસને હું ઓળખું છું શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી, ઈશ્વર તો જાણે છે 4 કે, તેને પારાદૈસમાં લઈ જવાયો અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી. 5 તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. 6 હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું. 7 મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું. 8 તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે. 9 પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે. 10 એ માટે નિર્બળતામાં, નિંદામાં, સંકટમાં, સતાવણીમાં, ખેદમાં, ખ્રિસ્તને લીધે આનંદિત રહું છું; કેમ કે જયારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું. કરિંથીઓ માટે પાઉલની કાળજી 11 હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી. 12 પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં. 13 હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો. 14 જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ. 15 પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે? 16 સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો. 17 શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે? 18 મેં તિતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી? 19 આ બધાથી તમે એમ ધારો છો કે અમે તમારી સામે સ્વબચાવ કરીએ છીએ પણ એવું નથી; ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ અમે બોલીએ છીએ કે, આ સર્વ તમારા ઘડતરને માટે જ છે. 20 કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય; 21 પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.