Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


પાઉલ અને જૂઠા પ્રેરિતો

1 હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ.

2 કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.

3 પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.

4 કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.

5 મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું.

6 પણ જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.

7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?

8 તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં.

9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.

10 જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ.

11 શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.

12 પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું.

13 કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.

14 આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;

15 તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે.


પ્રેરિત તરીકે પાઉલના દુઃખો

16 હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.

17 જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું.

18 સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.

19 કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો!

20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.

21 જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું.

22 શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું.

23 શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

24 પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા,

25 ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.

26 ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

27 શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.

28 આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે.

29 કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?

30 જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ.

31 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.

32 દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો.

33 પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan