Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


યરુશાલેમ ઉપર આશ્શૂરનું આક્રમણ
2 રાજા. 18:13-37 ; 19:14-19 , 35-37 ; યશા. 36:1-22 ; 37:8-38

1 હિઝકિયા રાજાએ આ સેવાભક્તિના કાર્યો નિષ્ઠાપૂર્વક કર્યાં. તેના થોડા સમય પછી આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયા પર ચઢાઈ કરી અને કિલ્લેબંદીવાળાં નગરો સામે પડાવ નાખ્યો. અને હુમલો કરીને આ નગરોને કબજે કરવાનો હુકમ આપ્યો.

2 જ્યારે હિઝકિયાએ જોયું કે સાન્હેરીબ આવ્યો છે અને તેનો ઇરાદો યરુશાલેમ ઉપર આક્રમણ કરવાનો છે,

3 ત્યારે જે ઝરાઓ નગરની બહાર હતા તે ઝરાઓનું પાણી બંધ કરી દેવા વિષે તેણે પોતાના આગેવાનો તથા સામર્થ્યવાન પુરુષોની સલાહ પૂછી. તેઓએ તેને માર્ગદર્શન આપ્યું.

4 ઘણાં લોકો ભેગા થયા અને તેઓએ સર્વ ઝરાઓને તથા દેશમાં થઈને વહેતાં નાળાંને પૂરી દીધાં. તેઓએ કહ્યું, “શા માટે આશ્શૂરના રાજાઓને ઘણું પાણી મળવું જોઈએ?”

5 હિઝકિયાએ ભાંગી ગયેલો કોટ હિંમત રાખીને ફરીથી બાંધ્યો; તેના પર બુરજો બાંધ્યા અને કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો. તેણે દાઉદનગરમાંના મિલ્લોને મજબૂત કર્યું અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.

6 તેણે લશ્કરના સેનાપતિઓની નિમણૂક કરીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં પોતાની હજૂરમાં એકત્ર કર્યા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું,

7 “તમે બળવાન તથા હિંમતવાન થાઓ. આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ગભરાશો તથા નાહિંમત થશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જેઓ છે તેઓ વધારે છે.

8 તેની પાસે ફક્ત માણસો જ છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા પ્રભુ ઈશ્વર છે.” પછી યહૂદિયાના રાજા હિઝકિયાના ઉત્તેજનથી લોકો ઉત્સાહિત થયા હતા.

9 તે પછી, આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાના ચાકરોને યરુશાલેમમાં મોકલ્યા તે તો પોતાના સર્વ બળવાન સૈન્ય સાથે લાખીશની સામે પડેલો હતો તથા યહૂદિયાના રાજા હિઝકિયાને અને યરુશાલેમમાં રહેતા યહૂદિયાના સર્વ લોકોને કહેવડાવ્યું,

10 “આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો?

11 “‘ઈશ્વર અમારા પ્રભુ અમને આશ્શૂરના રાજાના હાથમાંથી બચાવશે’, એવું તમને કહીને હિઝકિયા ગેરમાર્ગે દોરી રહ્યો છે, તે તમને દુકાળ અને તરસથી રીબાઈને મૃત્યુને સોંપી રહ્યો છે.

12 શું એ જ હિઝકિયાએ તેના ઉચ્ચસ્થાનો અને તેની વેદીઓ કાઢી નાખીને યહૂદાને તથા યરુશાલેમને આજ્ઞા નહોતી આપી કે તમારે એક જ વેદી આગળ આરાધના કરવી તથા તેના જ ઉપર ધૂપ બાળવો?

13 તમને ખબર નથી કે મેં અને મારા પિતૃઓએ બીજા દેશોના લોકોના શા હાલ કર્યા છે? તે દેશોના લોકોના દેવો પોતાના દેશોને મારા હાથમાંથી બચાવી શકવાને સમર્થ છે?

14 મારા પિતૃઓએ નાશ કરી નાખેલી પ્રજાઓના દેવોમાં એવો કોણ હતો કે જે પોતાના લોકોને મારા હાથમાંથી બચાવી શક્યો હોય? તો પછી તમારા ઈશ્વર તમને મારા હાથમાંથી બચાવવાને શી રીતે સમર્થ હોઈ શકે?

15 હવે હિઝકિયા તમને જે રીતે સમજાવે છે તે રીતે તમે છેતરાશો નહિ. તેનો વિશ્વાસ કરશો નહિ, કેમ કે કોઈ પણ પ્રજા કે રાજ્યનો દેવ પોતાના લોકોને મારાથી કે મારા પૂર્વજોથી બચાવી શક્યા નથી. તો પછી મારા હાથમાંથી તમને બચાવવાને તમારા ઈશ્વર કેટલા શક્તિમાન છે?”

16 આ મુજબ, સાન્હેરીબના માણસો ઈશ્વર પ્રભુ અને તેના સેવક હિઝકિયાની વિરુદ્ધમાં બકવાસ કર્યા.

17 સાન્હેરીબે પોતે પણ ઇઝરાયલના ઈશ્વરનું અપમાન કરતા પત્રો લખ્યા અને તેમની વિરુદ્ધ ઉદ્દગારો કર્યાં. તેણે કહ્યું કે, “જેમ બીજા દેશોની પ્રજાઓના દેવો પોતાના લોકોને મારા હાથથી બચાવી શક્યા નથી તેમ હિઝકિયાના ઈશ્વર પણ તેમની પ્રજાને મારા હાથથી નહિ બચાવી શકે.”

18 યરુશાલેમના જે લોકો કોટ ઉપર ઊભેલા હતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ડરી જાય કે જેથી તેઓ નગરને કબજે કરી શકે તે માટે તેઓએ તેઓને યહૂદી ભાષામાં મોટા અવાજથી ધમકી આપી.

19 જગતના બીજા લોકોના દેવો જેવા યરુશાલેમના ઈશ્વર પણ માણસોના હાથથી બનાવેલા હોય તેમ તેઓ તેમના વિષે એલફેલ બોલતા હતા.

20 આવી વિકટ પરિસ્થિતિમાં આ બાબતને માટે રાજા હિઝકિયાએ અને આમોસના પુત્ર યશાયા પ્રબોધકે આકાશ તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરી.

21 યહોવાહે એક દૂતને મોકલ્યો. તેણે આશ્શૂરના રાજા સાન્હેરીબની છાવણીમાં જે યોદ્ધાઓ, સેનાપતિઓ અને અધિકારીઓ હતા તે સૌને મારી નાખ્યા. તેથી સાન્હેરીબને શરમિંદા થઈને પોતાને દેશ પાછા જવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. અને ત્યાં તેના પોતાના જ કોઈ એક પુત્રએ તેને તલવારથી મારી નાખ્યો.

22 આ રીતે ઈશ્વરે હિઝકિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને આશ્શૂરના રાજા સાન્હેરીબના તથા બીજા બધાના હાથમાંથી બચાવી લીધા અને ચારે બાજુથી તેઓનું રક્ષણ કર્યુ.

23 ઘણાં લોકો યરુશાલેમમાં ઈશ્વરને માટે અર્પણો લાવ્યા તથા યહૂદાના રાજા હિઝકિયાને પણ ઉત્તમ વસ્તુઓ ભેટમાં આપી. તેથી આ સમયથી તે સર્વ પ્રજાઓમાં પ્રિય અને આદરપાત્ર થયો.


હિઝકિયાની માંદગી
2 રાજા. 20:1-3 , 12-19

24 પછીના થોડા દિવસો બાદ હિઝકિયા મરણતોલ બીમારીનો ભોગ થયો. તેણે ઈશ્વરને પ્રાર્થના કરી; તેના જવાબમાં ઈશ્વરે તેની સાથે વાત કરી અને તે તેને સાજો કરશે તેવું દર્શાવવા માટે તેને એક ચિહ્ન આપવામાં આવ્યું.

25 પણ હિઝકિયાને ઈશ્વર તરફથી જે સહાય મળી હતી તેનો બદલો તેણે યોગ્ય રીતે વાળ્યો નહિ. તે પોતાના હૃદયમાં ગર્વિષ્ઠ થયો. તેથી તેના પર, તેમ જ યહૂદા તથા યરુશાલેમ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો.

26 આવું થવાથી હિઝકિયા પોતાનો ગર્વ છોડીને છેક દીન થઈ ગયો. યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પણ રાજાની માફક નમ્ર થયા. તેથી હિઝકિયાના જીવનકાળ દરમિયાન ઈશ્વરનો રોષ ફરી તેમના પર ઊતર્યો નહિ.


હિઝકિયાનો વૈભવ

27 હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાંઓ રાખવા ભંડારો બનાવ્યા.

28 તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.

29 વળી આ ઉપરાંત તેણે પોતે નગરો વસાવ્યાં અને પુષ્કળ પ્રમાણમાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોની સંપત્તિ પ્રાપ્ત કરી. ઈશ્વરે તેને પુષ્કળ સંપત્તિ આપી હતી.

30 હિઝકિયાએ ગિહોનના ઉપલાણે વહેતા ઝરણાંને બંધ કર્યા અને તેનાં પાણીને તે દાઉદનગરની પશ્ચિમે વાળી લાવ્યો. હિઝકિયા તેના દરેક કાર્યમાં સફળ થયો.

31 બાબિલના સત્તાધારીઓએ દેશમાં બનેલા ચમત્કાર વિષે તેને પૂછવા એલચીઓ મોકલ્યા હતા. તેની પરીક્ષા થાય અને તેના હૃદયમાં જે હોય તે સર્વ જાણવામાં આવે માટે ઈશ્વરે તેને સ્વતંત્રતા બક્ષી હતી.


હિઝકિયાના રાજ્યકાળનો અંત
2 રાજા. 20:20-21

32 હિઝકિયાની અન્ય બાબતો અને તેણે જે સારાં કાર્યો કર્યાં હતાં તે વિષેની નોંધ આમોસના પુત્ર યશાયા પ્રબોધકના પુસ્તકમાં તથા યહૂદિયાના અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલી છે.

33 હિઝકિયા તેના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદના વંશજોના કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવવામાં આવ્યો. તે મૃત્યુ પામ્યો ત્યારે યહૂદિયાના બધા લોકોએ અને યરુશાલેમના બધા રહેવાસીઓએ તેને અંતિમ આદર આપ્યો. તેના પછી તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan