૨ કાળવૃત્તાંત 3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી સુલેમાને યરુશાલેમમાં મોરિયા પર્વત પર ઈશ્વરનું સભાસ્થાન બાંધવાની શરૂઆત કરી. ત્યાં તેના પિતા દાઉદને ઈશ્વરે દર્શન આપ્યું હતું. તેના પર જે જગ્યા દાઉદે યબૂસી ઓર્નાનની ઘઉં ઝૂડવાની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં ઈશ્વરનું સભાસ્થાન બાંધવાનો પ્રારંભ કર્યો. 2 આ બાંધકામની શરૂઆત તેણે પોતાના શાસનના ચોથા વર્ષના બીજા માસના બીજા દિવસથી કરી. 3 હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી. 4 સભાસ્થાનના આગળના દ્વારમંડપની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ જેટલી વીસ હાથ હતી. તેની ઊંચાઈ પણ વીસ હાથ હતી અને સુલેમાને તેની અંદરના ભાગને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો. 5 તેણે મોટા ઓરડાની અંદરની દીવાલોને દેવદારના પાટિયાં જડી દીધાં, તેમને શુદ્ધ સોનાથી મઢ્યાં અને તેમના ઉપર ખજૂરીઓ તથા સાંકળીઓ કોતરાવી. 6 તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું. 7 વળી તેણે સભાસ્થાનના મોભને, તેના ઊમરાઓને, તેની દીવાલોને અને તેનાં બારણાંઓને સોનાથી મઢાવ્યાં; દિવાલો પર કરુબો કોતરાવ્યા. 8 તેણે પરમપવિત્રસ્થાન બનાવ્યું. તેનું માપ આ પ્રમાણે હતું: તેની લંબાઈ સભાસ્થાનની પહોળાઈ પ્રમાણે વીસ હાથ, પહોળાઈ પણ વીસ હાથ અને ઊંચાઈ વીસ હાથ હતી. તેણે તેને છસો તાલંત ચોખ્ખા સોનાથી મઢ્યું હતું. 9 સોનાના ખીલાઓનું વજન પચાસ શેકેલ હતું. તેણે ઉપરના ઓરડાઓને પણ સોનાથી મઢાવ્યા. 10 તેણે પરમપવિત્રસ્થાનને માટે બે કરુબોની કલાકૃતિઓ બનાવી; તેઓને ચોખ્ખા સોનાથી મઢાવ્યાં. 11 કરુબોની પાંખો વીસ હાથ લાંબી હતી; એક કરુબની એક પાંખ પાંચ હાથ લાંબી હતી, તે ફેલાઈને સભાસ્થાનની દીવાલ સુધી સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પણ ફેલાઈને બીજા કરુબની પાંખને પહોંચતી હતી. 12 એ જ પ્રમાણે બીજા કરુબની એક પાંખ ફેલાઈને સભાસ્થાનની બીજી દિવાલને સ્પર્શતી હતી; બીજી પાંખ પણ પાંચ હાથ લાંબી હતી, તે પહેલા કરુબની પાંખ સુધી પહોંચતી હતી. 13 આ પ્રમાણે કરુબોની પાંખો વીસ હાથ ફેલાયેલી હતી. કરુબો પોતાના પગો ઉપર ઊભા રહેલા અને તેઓનાં ચહેરા અંદરની બાજુએ હતા. 14 તેણે આસમાની, જાંબુડા, કિરમજી ઊનના અને લાલ રંગના શણના પડદા બનાવ્યા અને તેણે કરુબો બનાવ્યા. પિત્તળના બે સ્તંભો 1 રાજા. 7:15-22 15 સુલેમાને સભાસ્થાન આગળ પાંત્રીસ હાથ ઊંચા બે સ્તંભ બનાવ્યા, દરેકની ટોચે કળશ મૂકાવ્યા હતા. તે પાંચ હાથ ઊંચા હતા. 16 તેણે સાંકળો બનાવીને સ્તંભોની ટોચે કળશો પર મૂકી; તેણે સો દાડમો બનાવ્યાં અને તેને સાંકળો પર લટકાવ્યાં. 17 તેણે તે સ્તંભો સભાસ્થાન આગળ ઊભા કર્યા, એક જમણે હાથે અને બીજો ડાબા હાથે; જમણા હાથ બાજુના સ્તંભનું નામ યાખીન સ્થાપના અને ડાબા હાથ બાજુના સ્તંભનું નામ બોઆઝ બળ રાખ્યું. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.