૨ કાળવૃત્તાંત 25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યહૂદિયાની ગાદી પર અમાસ્યા 2 રાજા. 14:2-6 1 અમાસ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યહોઆદ્દીન હતું અને તે યરુશાલેમની હતી. 2 તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ પૂરા હૃદયથી નહિ. 3 જયારે રાજ તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. 4 પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.” અદોમ સામે યુદ્ધ 2 રાજા. 14:7 5 પછી, અમાસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા અને તેઓના પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયાના લોકોને તથા બિન્યામીનીઓને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નીમ્યા. તેણે તેઓમાંના વીસ વર્ષના તેથી ઉપરની વય ધરાવનારાઓની ગણતરી કરી. તો ભાલા તથા ઢાલ વાપરી શકે તેવા તથા યુદ્ધમાં જઈ શકે તેવા પસંદ કરેલા એવા ત્રણ લાખ માણસો મળી આવ્યા. 6 તેણે એકસો તાલંત ચાંદી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ લડવૈયાઓને નીમ્યા. 7 પણ એવામાં એક ઈશ્વરભક્તે આવીને તેને કહ્યું, “હે રાજા, ઇઝરાયલી સૈન્યને તારી સાથે આવવા ન દઈશ, કેમ કે ઇઝરાયલીઓ એટલે એફ્રાઇમીઓની સાથે ઈશ્વર નથી. 8 પણ તેમ છતાં જો તમે જશો અને તમે ગમે તેટલી નીડરતાથી લડશો, તો પણ ઈશ્વર તમને દુશ્મનો આગળ પરાજય અપાવશે. કેમ કે, સહાય કરવાને તથા પાડી નાખવાને પણ ઈશ્વર સમર્થ છે.” 9 અમાસ્યાએ તે ઈશ્વરભક્તે કહ્યું, “પણ ઇઝરાયલના સૈન્ય માટે જે એકસો તાલંત ચાંદી મેં આપી છે તેનું આપણે શું કરવું?” તેણે ઉત્તર આપ્યો, “ઈશ્વર તને એથી પણ વિશેષ આપવાને સમર્થ છે.” 10 તેથી અમાસ્યાએ એફ્રાઇમમાંથી જે સૈનિકો આવ્યા હતા તેઓને પોતાના સૈન્યથી જુદા પાડીને ઘરે પાછા મોકલી દીધા; તેથી તે લોકો યહૂદિયા પર ઘણાં નારાજ થયા અને ક્રોધાયમાન થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા. 11 અમાસ્યા પોતાના સૈન્યને હિંમતપૂર્વક મીઠાની ખીણમાં લઈ ગયો અને ત્યાં તેણે સેઈરના દસ હજાર માણસોને હરાવ્યા. 12 યહૂદિયાના સૈન્યએ બીજા દસ હજારને જીવતા પકડીને તેઓને ખડકની ટોચ પરથી નીચે ફેંકી દીધાં. તેથી તેઓ બધાના ટુકડે ટુકડાં થઈ ગયા. 13 તે દરમિયાન અમાસ્યાએ જે સૈન્યના સૈનિકોને પાછા મોકલી દીધા હતા કે જેથી તેઓ તેની સાથે યુદ્ધમાં ના જાય, તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધીના યહૂદિયાના નગરો પર હુમલો કરીને ત્રણ હજાર માણસોને મારી નાખ્યા અને મોટી લૂંટ એકત્ર કરીને ચાલ્યા ગયા. 14 તે પછી અદોમીઓની કતલ કરીને અમાસ્યા પાછો આવ્યો અને સેઈરના લોકોના દેવોને સાથે લઈ આવ્યો, તેણે પોતાના દેવો તરીકે તેઓની સ્થાપના કરી. તેણે તેઓની પૂજા કરી અને તેઓની આગળ ધૂપ બાળ્યો. 15 તેથી ઈશ્વરનો રોષ તેના ઉપર સળગી ઊઠ્યો. તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તે દેવોની પૂજા તેં શા માટે કરી?” 16 એવું થયું કે તે પ્રબોધક હજી અમાસ્યાની સાથે વાત કરતો હતો તેટલામાં જ રાજાએ તેને કહ્યું, “શું અમે તને રાજાનો સલાહકાર ઠરાવ્યો છે? ચૂપ રહે. શા માટે હાથે કરીને મરવા માગે છે?” પછી પ્રબોધકે જતાં જતાં કહ્યું, “હું જાણું છું કે, ઈશ્વરે તારો નાશ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે તેં આ કામ કર્યું છે. અને મારી સલાહ સાંભળી નથી.” ઇઝરાયલ સામે યુદ્ધ 2 રાજા. 14:8-20 17 પછી યહૂદાના રાજા અમાસ્યાએ સલાહ મસલત કરીને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશ પાસે સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું કે, “આવો, આપણે યુદ્ધમાં સામસામા લડીએ.” 18 પણ ઇઝરાયલના રાજા યોઆશે યહૂદાના રાજા અમાસ્યાને પ્રતિઉત્તર મોકલ્યો કે, “લબાનોન પરના એક ઉટકંટાએ લબાનોનમાંના દેવદાર વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કર.’ પણ લબાનોનના એક વન્ય પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા ઉટકંટાને પોતાના પગ તળે કચડી નાખ્યો. 19 તું કહે છે, ‘જો, મેં અદોમને માર્યો છે’ અને તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તારી જીતમાં તું ઘણો અભિમાની થયો છે, પણ તું તારે ઘરે રહે કેમ કે તારું પોતાનું નુકસાન તારે શા માટે વહોરી લેવું જોઈએ કે જેથી તારી સાથે યહૂદિયાના લોકો પણ માર્યા જાય?” 20 પણ અમાસ્યાએ તેનું સાંભળ્યું નહિ કેમ કે તે ઘટના તો ઈશ્વરથી થઈ હતી. તેઓ અદોમના દેવને પૂજતા હતા તેથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપ્યાં હતા. 21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામે જંગે ચઢ્યા. 22 યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસોથી હારીને પોતપોતાને ઘરે નાસી ગયા. 23 ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઇમના દરવાજાથી ખૂણાના દરવાજા સુધીનો ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી નંખાવ્યો. 24 તેણે ઈશ્વરના સભાસ્થાનમાંથી બધું સોનુંચાંદી તથા જે સર્વ પાત્રો તેને મળ્યા હતાં તે, રાજાના મહેલમાંથી કિંમતી વસ્તુઓ લઈ લીધી તે તથા ઓબેદ-અદોમના કુટુંબને તથા થોડા કેદીઓને લઈને સમરુન પાછો ફર્યો. 25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મૃત્યુ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ જીવ્યો. 26 અમાસ્યાનાં બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં નથી શું? 27 હવે અમાસ્યા ઈશ્વરનું અનુકરણ ન કરતાં અલગ માર્ગ તરફ વળ્યો, તે સમયથી યરુશાલેમમાં લોકોએ તેની વિરુદ્ધમાં બંડ કર્યુ. તેથી તે લાખીશ નાસી ગયો, પણ લાખીશ સુધી તેનો પીછો કરવામાં આવ્યો અને ત્યાં તેને મારી નાખવામાં આવ્યો. 28 તેઓ તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ આવ્યા અને ત્યાં યહૂદાના નગરમાં તેના પિતૃઓ સાથે તેને દફનાવવામાં આવ્યો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.