1 તિમોથી 5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019વિશ્વાસીઓ પ્રત્યેની જવાબદારી 1 વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને; 2 જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ. 3 જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર. 4 વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે. 5 તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે. 6 પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે. 7 આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને. 8 પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે. 9 જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી, 10 સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે. 11 પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે. 12 તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે. 13 તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે. 14 માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે. 15 કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે. 16 જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે. 17 જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા. 18 કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, ‘કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ’ અને ‘કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે’. 19 બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સ્વીકારીશ નહિ. 20 પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે. 21 ઈશ્વર, ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા સ્વર્ગદૂતોની સમક્ષ ગંભીરતાપૂર્વક હું પ્રમાણિત કરું છું કે, આ બાબતોને પૂર્વગ્રહ વિના, પક્ષપાતથી દુર રહીને કર. 22 કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ. 23 હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે. 24 કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે. 25 તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.