૧ કાળવૃત્તાંત 5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019રુબેનના વંશજો 1 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ. 2 યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો. 3 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી હતા. 4 યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો, 5 શિમઈનો દીકરો મિખા હતો, મિખાનો દીકરો રાયા હતો, રાયાનો દીકરો બઆલ હતો, 6 બઆલનો દીકરો બેરા હતો. તેને આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર, બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રુબેનીઓના કુળનો સરદાર હતો. 7 તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝખાર્યા, 8 યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બઆલ-મેઓન સુધી રહેતા હતા. 9 પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી. 10 શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગ્રીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા. ગાદના વંશજો 11 ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા. 12 તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા. 13 તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર. 14 આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ. 15 ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો. 16 તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા. 17 યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા. પૂર્વનાં કુળોનાં સૈન્ય 18 રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા. 19 તેઓએ હાગ્રીઓ, યટુર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો. 20 ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. 21 તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા. 22 કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા. મનાશ્શાના પૂર્વના અર્ધકુળના લોકો 23 મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું. 24 તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલિયેલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા. પૂર્વના કુળો દેશપાર કરાયાં 25 પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા. 26 ઇઝરાયલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.