૧ કાળવૃત્તાંત 21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019દાઉદની અમંગળ વસ્તીગણતરી 2 શમુ. 24:1-25 1 ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો. 2 દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું.” 3 યોઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકને જેટલા છે તેના કરતા સોગણાં વધારો. પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઇચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો?” 4 પણ રાજાનું ફરમાન યોઆબને માનવું પડ્યું. તેથી યોઆબ ત્યાંથી નીકળીને આખા ઇઝરાયલ દેશમાં ફરીને તે યરુશાલેમમાં પાછો આવ્યો. 5 પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા. 6 પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી. 7 ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી. 8 દાઉદે ઈશ્વરને કહ્યું, “આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.” 9 યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, 10 “જા દાઉદને કહે કે: ‘યહોવાહ એમ કહે છે કે: “હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર.” 11 તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, “યહોવાહ આ મુજબ કહે છે: ‘આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર. 12 ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.” 13 પછી દાઉદે ગાદને કહ્યું, “હું ભારે દ્વિધામાં મુકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે.” 14 તેથી યહોવાહે, ઇઝરાયલમાં મરકી મોકલી અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. 15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો. 16 દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા. 17 દાઉદે ઈશ્વરને કહ્યું, “સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ ઘેટાંઓ, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો.” 18 તેથી યહોવાહના દૂતે ગાદને આજ્ઞા કરી કે, દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં, યહોવાહને માટે એક વેદી બાંધે. 19 તેથી યહોવાહના નામે, જે સુચના ગાદે આપી હતી, તે અનુસાર કરવાને, દાઉદ ગયો. 20 જયારે ઓર્નાન ઘઉં મસળતો હતો, ત્યારે તેણે પાછળ નજર કરતાં દૂતને જોયો. તેથી તે તથા તેના ચાર પુત્રો સંતાઈ ગયા. 21 જ્યારે દાઉદ ઓર્નાનની પાસે આવ્યો ત્યારે ઓર્નાને દાઉદને જોયો. તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કર્યા. 22 ત્યારે દાઉદે ઓર્નાનને કહ્યું, “આ ખળી મને આપ, જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધુ. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ, જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય.” હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ.” 23 ઓર્નાને દાઉદને કહ્યું, “મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહનીયાર્પણો માટે બળદો, કણસલાં ઝૂડવા માટે લાકડાંનાં પાટિયાં અને ખાદ્યાર્પણ માટે ઘઉં, એ બધું તને આપીશ.” 24 રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, “ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાહને દહનીયાર્પણ કરવા માટે, જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહિ લઉં.” 25 દાઉદે એ જગ્યા માટે છસો શેકેલ સોનું આપ્યું. 26 દાઉદે ત્યાં યહોવાહને માટે વેદી બાંધી અને તેના પર દહનીયાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાહને વિનંતી કરી, તેમણે દહનીયાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો. 27 પછી યહોવાહે, દૂતને આજ્ઞા આપી અને દૂતે પોતાની તલવાર મ્યાન કરી. 28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાહે તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે, તેણે ત્યાં યજ્ઞ કર્યો. 29 કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી. 30 જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તલવારનો ડર હતો. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.