Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઝખાર્યા 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પડોશી પ્રજાઓનો ન્યાય

1 યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે.

2 અને તેની સરહદ પર આવેલા હમાથ [ઉપર] પણ છે; તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં [તેના પર પણ] છે.

3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની જેમ રૂપાના તથા શેરીના કાદવની જેમ ચોખ્ખા સોનાના ઢગલા કર્યા.

4 જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાંનાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે.

5 આશ્કલોન તે જોઈને બીશે; ગાઝા પણ [જોઈને] બહુ દુ:ખી થશે. એક્રોન [પણ દુ:ખી થશે] , કેમ કે તેની આશા નિષ્ફળ જશે. ગાઝામાંથી રાજા નાશ પામશે, ને આશ્કલોનમાં વસતિ થશે નહિ.

6 આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે; ને હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.

7 હું તેનું રક્ત તેના મુખમાંથી, તથા તેનાં ધિક્કારપાત્ર કૃત્યો તેના દાંતોમાંથી દૂર કરીશ; અને તે પણ આપણા ઈશ્વરને માટે શેષ થશે:અને તે યહૂદિયામાંના અમલદારના જેવો થશે, ને એક્રોન યબૂસી જેવો થશે.

8 હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.


ભાવિ રાજા

9 હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે].

10 હું એફ્રાઈમમાંથી રથને, તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધધનુષ્યને કાપી નાખવામાં આવશે; અને તે [સર્વ] પ્રજાઓને શાંતિનો બોધ કરશે; અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના‌ છેડા સુધી થશે.”


ઈઝરાયલનો થનાર ઉદય

11 તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા] કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.

12 હે આશા [રાખી રહેલા] બંદીવાનો, કિલ્લામાં પાછા આવો; આજે જ હું જાહેર કરું છું કે, હું તમને બમણો બદલો વાળી આપીશ.

13 કેમ કે મેં મારે માટે યહૂદા [રૂપી ધનુષ્ય] નમાવ્યું છે, મેં એફ્રાઈમ [રૂપી બાણ] ધનુષ્ય પર મૂકયું છે. અને, હે સિયોન, હું તારા પુત્રોને [ઉશ્કેરીશ] , હે ગ્રીસ, તારા પુત્રોની વિરુદ્ધ [તેઓને] ઉશ્કેરીશ, [હે સિયોન,] હું તને યોદ્ધાની તરવારરૂપ કરીશ.”

14 યહોવા તેઓના ઉપર દેખાશે, અને તેમનું બાણ વીજળીની જેમ છૂટશે; પ્રભુ યહોવા રણશિંગડું વગાડશે, તે દક્ષિણના વંટોળિયાઓ સહિત કૂચ કરશે.

15 સૈન્યોના [ઇશ્વર] યહોવા તેમનું રક્ષણ કરશે. તેઓ [દુશ્મનોને] ખાઈ જશે, ને [તેમોના] ગોફણના ગોળાઓને [પગ નીચે] ખૂંદી નાખશે. જાણે દ્રાક્ષારસ [પીતા હોય] તેમ તેઓ [રક્ત] પીશે, ને કોલાહલ કરશે; તેઓ પ્યાલાઓની જેમ, વેદીના ખૂણાઓ [ઉપરના પ્યાલાઓ] ની જેમ, ભરપૂર થશે.

16 તેમનો ઈશ્વર યહોવા તે દિવસે પોતાના લોકના ટોળા તરીકે તેઓને તારશે, કેમ કે તેઓ મુગટનાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.

17 કેમ કે તેઓની જાહોજલાલી કેટલી બધી છે, ને તેઓની શોભા કેટલી બધી છે! જુવાનોને ધાન્ય તથા યુવતીઓને નવો દ્રાક્ષારસ હ્રષ્ટપુષ્ટ કરશે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan