ઝખાર્યા 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમના જીર્ણોદ્ધારનું વચન 1 વળી સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન [મારી પાસે આવ્યું] ; 2 “સિયોનને માટે મને ઘણી જ લાગણી થાય છે, ને તેથી મને ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે. 3 યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે. 4 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી પાકી વયને લીધે પોતાના હાથમાં લાકડીઓ લઈને તેને ટેકો દઈને યરુશાલેમની શેરીઓમાં બેસશે. 5 વળી તે નગરની શેરીઓ રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર હશે. 6 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જો તે આ સમયના લોકોમાંના બાકી રહેલાઓને આશ્ચર્યકારક લાગે? એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. 7 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જુઓ, હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ. 8 હું તેઓને અહીં લાવીશ, ને તેઓ યરુશાલેમમાં વસશે; અને તેઓ સત્યથી તથા નેકીથી વર્તીને મારા લોકો થશે, ને હું તેઓનો ઈશ્વર થઈશ. 9 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવાનું ઘર, એટલે તેમનું મંદિર, બાંધવા માટે તેનો પાયો નાખવામાં આવ્યો, તે સમયે પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ. 10 કેમ કે તે વખત પહેલાં માણસને મજૂરી મળતી નહોતી, તેમ જ પશુને માટે પણ ભાડું મળતું નહોતું. દુશ્મનને લીધે બહાર જનારને કે અંદર આવનારને કંઈ પણ ચેન પડતું નહોતું; કેમ કે મેં સર્વ માણસોને પોતપોતાના પડોશી વિરુદ્ધ ઉશ્કેરી મૂકયા હતા. 11 પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની જેમ વર્તીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. 12 કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ. 13 અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ. 14 કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તમારા પૂર્વજોએ મને કોપાયમાન કર્યાથી જેમ મેં તમારા પર આપત્તિ લાવવાનું ધાર્યું હતું, ને તે વિષે મને અનુતાપ થયો નહિ; 15 તેમ જ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, મેં આ સમયે યરુશાલેમનું તથા યહૂદાના વંશજોનું ફરીથી ભલું કરવાનું ધાર્યું છે; તમારે બીવું નહિ. 16 તમારે આ કામો કરવાં:તમે સર્વ પોતપોતાના પડોશી સાથે સાચું બોલો; તમારા દરવાજાઓમાં અદલ ઇનસાફ કરીને શાંતિનો અમલ કરો. 17 તમારામાંના કોઈએ પોતાન અંત:કરણમાં પોતાન પડોશી વિરુદ્ધ બૂરો વિચાર મનમાં પણ લાવવો નહિ; અને કોઈએ જૂઠા સોગન ખાવા નહિ; કેમ કે હું આ સર્વ કૃત્યોને ધિક્કારું છું, એવું યહોવા કહે છે.” 18 પછી સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું, 19 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો. 20 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, હજી પણ પરદેશીઓ તથા ઘણાં નગરોના રહેવાસીઓ આવશે; 21 એક [નગર] ના રહેવાસીઓ બીજા [નગરના રહેવાસીઓ] ની પાસે જઈને કહેશે, ‘ચાલો, આપણે યહોવાની કૃપા યાચવાને તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાની શોધ કરવાને જલદી જઈએ; હું પણ જઈશ.’ 22 હા, ઘણા લોકો તથા બળવાન પ્રજાઓ યરુશાલેમમાં સૈન્યોના [ઇશ્વર] યહોવાની શોધ કરવા, તથા યહોવાની કૃપા યાચવાને માટે આવશે. 23 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહૂદી માણસની ચાળ પકડીને કહેશે કે, ‘અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India