ઝખાર્યા 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઊડતા ઓળિયા વિષે સંદર્શન 1 ત્યારે મેં મારી નજર ફરીથી ઊંચી કરીને જોયું, તો મેં એક ઊડતું ઓળિયું [જોયું]. 2 તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “હું એક ઊડતું ઓળિયું જોઉં છું. તેની લંબાઈ વીસ હાથ, ને તેની પહોળાઈ દશ હાથ છે.” 3 ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.” 4 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું તેને મોકલી દઈશ, ને તે ચોરના ઘરમાં તથા મારા નામના જૂઠા સોગંદ ખાનારના ઘરમાં પ્રવેશ કરશે. અને તે તેના ઘરમાં ટકી રહેશે, અને તેને તેનાં લાકડાં તથા પથ્થરો સહિત ભસ્મ કરશે.” એફાહની અંદરની સ્ત્રી વિષે સંદર્શન 5 પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી નજર ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.” 6 મેં પૂછયું, “એ શું છે?” તેણે [મને] કહ્યું, “આ જે બહાર આવે છે તે એફાહ છે.” વળી તેણે કહ્યું, “આખા દેશમાં તેમની પ્રતિમા એ છે: 7 (પછી જુઓ, સીસાનું એક તાલંત ઉપાડી લેવામાં આવ્યું:) એટલે એફાહની અંદર એક સ્ત્રી બેઠેલી [જોવામાં આવી]. 8 તેણે કહ્યું, “એ દુષ્ટતા છે.” અને તેણે તેને એફાહની વચ્ચોવચ્ચ નાખી દીધી; અને પેલું સીસાનું કાટલું તેના મોં પર નાખ્યું. 9 પછી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે સ્ત્રીઓ બહાર આવી, ને તેમની પાંખોમાં પવન હતો. તેઓની પાંખો તો બગલાની પાંખોના જેવી હતી. અને તેઓ પેલા એફાહને પૃથ્વી તથા આકાશની વચ્ચે ઉપાડી ગઈ. 10 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “તેઓ તે એફાહને ક્યાં લઈ જાય છે?” 11 તેણે મને કહ્યું, “શિનાર દેશમાં, ત્યાં તેને માટે ઘર બાંધવાનું છે; અને જ્યારે તે તૈયાર થશે, ત્યારે એફાહ ત્યાં પોતાના સ્થાન પર સ્થાપન થશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India