ઝખાર્યા 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)માપવાની દોરી વિષે સંદર્શન 1 મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, એક પુરુષ, પોતાના હાથમાં માપવાની દોરી લઈને [ઊભેલો હતો]. 2 મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરુશાલેમની પહોળાઈ કેટલી છે, તે જાણવા માટે તેને માપવાને [જાઉં છું].” 3 પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, ને બીજા દૂતે બહાર આવીને તેને મળીને 4 તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે. 5 કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’ બંદિવાસીઓને પાછા લાવનાર પ્રભુ 6 યહોવા કહે છે, “અરે, અરે, ઉત્તરના દેશમાંથી નાસી છૂટો, કેમ કે યહોવા કહે છે, મેં તમને આકાશના ચાર વાયુની જેમ ફેલાવી દીધા છે. 7 હે સિયોન, બાબિલની પુત્રી સાથે રહેનારી, તું નાસી જા. 8 કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જે પ્રજાઓએ તમને પાયમાલ કર્યા તેઓની પાસેથી તેમણે મને ગૌરવ મેળવવા માટે મોકલ્યો છે. કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે. 9 કેમ કે જુઓ, હું મારો હાથ તેમના પર હલાવીશ, ને જેઓ તેમને તાબે રહેતા હતા તેઓ તેમને લૂંટશે. અને તમે જાણશો કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને મોકલ્યો છે. 10 હે સિયોનની પુત્રી, ગાયન તથા આનંદ કર; કેમ કે યહોવા કહે છે, ‘જો, હું આવું છું, ને હું તારી સાથે વાસો કરીશ. 11 તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે. 12 યહોવા યહૂદિયાને પવિત્ર ભૂમિમાં પોતાના વારસા તરીકે ગણી લેશે, તે હજી પણ યરુશાલેમને પસંદ કરશે. 13 હે સર્વ માણસો, યહોવાની હજૂરમાં ચૂપ રહો; કેમ કે તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી જાગૃત થયા છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India