ઝખાર્યા 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)જુલમગારોનો નાશ 1 હે લબાનોન, તારાં દ્વાર ઉઘાડ કે, અગ્નિ તારાં એરેજવૃક્ષોને ભસ્મ કરે. 2 હે દેવદાર વૃક્ષ, બૂમ પાડ, કેમ કે એરેજવૃક્ષ પડી ગયું છે, કારણ કે ભવ્ય [વૃક્ષો] ખેદાનમેદાન થઈ ગયાં છે! હે બાશાનનાં ઓકવૃક્ષો, બૂમ પાડો, કેમ કે સુરક્ષિત ઘાડું વન જમીનદોસ્ત થઈ ગયું છે! 3 ઘેટાંપાળકોની પોકનો અવાજ [સંભળાય છે] ; કેમ કે તેમનો વૈભવ નષ્ટ થયો છે. સિંહનાં બચ્ચાંની ગર્જનાનો અવાજ [સંભળાય છે] ! કેમ કે યર્દનનો ગર્વ નષ્ટ થયો છે. બે પાળકો 4 મારા ઈશ્વર યહોવાએ કહ્યું, “કતલ થઈ જતા ટોળાનું પાલન કરો. 5 તેઓના માલિકો તો તેમને કતલ કરે છે, તેમ છતાં પોતાને દોષિત ગણતા નથી. તેઓના વેચનારાઓ [માંનો દરેક] કહે છે કે, ‘યહોવાને ધન્ય હો કે, હું શ્રીમંત છું.’ અને તેઓના પોતાના પાળકો તેમના પર દયા રાખતા નથી.” 6 યહોવા કહે છે, “હું હવે પછી દેશના રહેવાસીઓ પર દયા રાખીશ નહિ; પણ હું સર્વ મનુષ્યોને પોતપોતાના પડોશીના હાથમાં તથા પોતાના રાજાના હાથમાં સોંપીશ; અને તેઓ દેશનો નાશ કરશે, ને તેઓના હાથમાંથી હું તેમને છોડાવીશ નહિ. 7 માટે કતલ થઈ જતા ટોળાનું, ટોળામાંના ખરેખર કંગાલ [ઘેટાં] નું, મેં પાલન કર્યું. મેં મારે માટે બે લાકડીઓ લીધી. મેં તેમાંની એકનું નામ કરુણા પાડયું, ને બીજીનું નામ મેં ઐક્ય પાડયું; અને મેં ટોળાનું પાલન કર્યું. 8 મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા. 9 ત્યારે મેં કહું, હું તમારું પાલન કરીશ નહિ:જે મરે, તે ભલે મરે; અને જે ખોવાઈ જતું હોય, તે ભલે ખોવાઈ જાય. અને જેઓ રહ્યાં હોય તેઓ એકબીજાનું માંસ ભલ ખાય. 10 મેં મારી કરુણા [નામની] લાકડી લીધી, ને સર્વ પ્રજાઓની સાથે કરેલો મારો કરાર રદ કરવા માટે મેં તેને કાપી નાખી. 11 અને તે દિવસે તે [કરાર] રદ કરવામાં આવ્યો; અને એમ ટોળાના કંગાલો જેઓ મારા [કહેવા] પર લક્ષ આપતા હતા તેઓએ જાણ્યું કે એ તો યહોવાહનું વચન છે. 12 મેં તેઓને કહ્યું, ‘જો તમને યોગ્ય લાગતું હોય તો મને મારો પગાર આપો. અને જો ન લાગતું હોય, તો રહેવા દો.’” ત્યારે તેઓએ મારા પગારના ત્રીસ રૂપિયા તોળી આપ્યા. 13 પછી યહોવાએ મને કહ્યું, “તેઓએ તારું મોટું મૂલ્ય કર્યું છે તે કુંભારની પાસે ફેંકી દે. અને મેં તે ત્રીસ રૂપિયા લઈ તેમને કુંભારની પાસે યહોવાના મંદિરમાં ફેંકી દીધા. 14 પછી યહૂદા તથા ઈઝરાયલ વચ્ચેનો ભાઈપણાનો સંબંધ તોડી નાખવાને મેં મારી બીજી લાકડી ઐક્યને કાપી નાખી.” 15 વળી યહોવાએ મને કહ્યું, “હજી ફરીથી મૂર્ખ પાળકનાં સાહિત્યો તું લઈ લે. 16 કેમ કે, જો, હું દેશમાં એવો એક પાળક ઊભો કરીશ કે જે નાશ પામનારાઓની ખબર નહિ લે, ને વિખેરાઈ ગયેલાઓની શોધ નહિ કરે, ને ઘાયલ થયેલાઓને સાજા નહિ કરે. તેમ જ તે નીરોગીને પણ ચારશે નહિ, પણ તે પુષ્ટનું માંસ ખાશે, ને તેમની ખરીઓ ચીરીને ફાડચાં કરશે. 17 ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તરવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે, ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India