Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

તિતસને પત્ર 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શુદ્ધ ઉપદેશ

1 પણ શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો તારે કહેવી:

2 વૃદ્ધોને કહેવું કે, તમારે સંયમી, ગંભીર, ઠરેલ, અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દઢ થવું જોઈએ.

3 વળી વૃદ્ધ સ્‍ત્રીઓને કહેવું કે, તમારે ધર્માનુસાર આચરણ કરનારી, કૂથલી કરનારી નહિ, ઘણો દ્રાક્ષારસ પીનારી નહિ, [પણ] સારી શિખામણ આપનારી થવું જોઈએ.

4 એ માટે કે તેઓ જુવાન સ્‍ત્રીઓને તેમના પતિ પર તથા બાળકો પર પ્રેમ રાખવાનું સમજાવે,

5 અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.

6 તે પ્રમાણે જુવાન પુરુષોને ઠરેલ થવાને બોધ કર.

7 સારી કરણીઓ કરીને તું પોતે સર્વ વાતે નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા,

8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, એવી ખરી વાતનો ઉપદેશ કર; જેથી જેઓ વિરુદ્ધના હોય તેઓને આપણા વિષે કંઈ ભૂંડું બોલવાનું [નિમિત્ત] ન મળવાથી તેઓ શરમાઈ જાય.

9 દાસોને પોતાના ઘણીઓને આધીન રહેવાને, સર્વ પ્રકારે તેમને રાજી રાખવાને, સામું ન બોલવાને,

10 ઉચાપત ન કરવાને, પણ સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર થવાને બોધ કર, જેથી તેઓ સર્વ વાતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે.

11 કેમ કે ઈશ્વરની જે કૃપા સર્વ માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે.

12 તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું.

13 અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.

14 તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.

15 આ વાતો તું કહે, બોધ કર, અને પૂરા અધિકારથી ઠપકો આપ. કોઈ તારો અનાદર ન કરે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan