તિતસને પત્ર 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તિતસ પ્રતિ લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, 2 અનંતજીવન વિષેનું જે વચન, જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું, તે [અનંતજીવન] ની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ [દઢ કરવાને] માટે તથા ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાન [ના પ્રચાર] ને અર્થે, [હું પ્રેરિત થયેલો છું]. 3 યોગ્ય સમયે [ઈશ્વરે] સુવાર્તાદ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. આપણા તારનાર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા [પ્રસિદ્ધ કરવાનું કામ] મને સોંપવામાં આવ્યું છે. 4 ઈશ્વર પિતા તરફથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાઓ. ક્રીતમાં તિતસની સેવા 5 જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો. 6 જે માણસ નિર્દોષ હોય, એક જ સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, અને જેઓના ઉપર બદફેલીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવાં હોય, ને જેઓ ઉદ્ધત ન હોય [એવા માણસને ઠરાવવો]. 7 કેમ કે અધ્યક્ષ ઈશ્વરનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વચ્છંદી કે તામસી કે દારૂડિયો કે મારનારા કે નીચ લાભનો લોભી એવો નહિ [હોવો જોઈએ]. 8 પણ પરોણાગત કરનાર, સત્કર્મોનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી, 9 ઉપદેશ પ્રમાણેનાં વિશ્વાસયોગ્ય વચનોને દઢતાથી વળગી રહેનાર એવો જોઈએ, એ માટે કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય. 10 કેમ કે આડા, લવારો કરનારા તથા ઠગનારા ઘણા છે, તેઓ વિશેષે કરીને સુન્નતીઓમાંના છે, 11 તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે. 12 તેઓમાંના કોઈએક પ્રબોધકે કહ્યું છે: “ક્રીતીઓ સદા જૂઠા, જંગલી પશુઓ [જેવા] , આળસુ પેટભરા છે.” 13 આ સાક્ષી ખરી છે. તે કારણ માટે તેઓને સખત રીતે ધમકાવ 14 કે, તેઓ યહૂદીઓની કલ્પિત કથાઓ પર તથા સત્યથી ફરી જનાર માણસોના હુકમ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દઢ રહે. 15 શુદ્ધોને મન બધું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી તેઓનાં મન તથા અંત:કરણ ભ્રષ્ટ થયેલાં છે. 16 તેઓ ઈશ્વર વિષે જાણવાનો ડોળ કરે છે, પણ પોતાની કરણીઓથી તેઓ તેમનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા, ને સર્વ સારાં કામને માટે નકામા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India